ભાવનગર દેશનું કન્ટેઈનર મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં અગ્રેસર

કેન્દ્રીય શિપિંગ મંત્રી દ્વારા ઇન્સ્પેકશન: નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય રાહુલ મોદી મુલાકાત દરમિયાન હાજર

ભાવનગર દેશનું કન્ટેઈનર મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં અગ્રેસર

Mysamachar.in-ભાવનગર:
સૌરાષ્ટ્રનાં વિકાસને દરિયાઈ ક્ષેત્રમાં વિશેષ તકો ઉપલબ્ધ થઈ રહી છે. ભાવનગર દેશનું કન્ટેઈનર મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં અગ્રેસર રીતે આગળ વધી રહ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલ (આસામનાં પૂર્વ મુખ્યમંત્રી) દ્વારા ભાવનગરની મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ કન્ટેઈનર મેન્યુફેકચરિંગ યુનિટનું ઇન્સ્પેકશન કર્યું હતું અને જણાવ્યું હતું કે, ભાવનગર આગામી સમયમાં દેશનું કન્ટેઈનર મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં અગ્રેસર બની રહ્યું છે. હાલમાં આ યુનિટ ખાતે દૈનિક 50 કન્ટેઈનરનું નિર્માણ થાય છે.

આ યુનિટને કન્ટેઈનર નિર્માણનો દેશનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. કોન્કોર કંપનીએ 10,000 કન્ટેઇનરનો ઓર્ડર આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશમાં કન્ટેઈનરની અછતને કારણે વિદેશ વ્યાપારમાં તકલીફો પડી રહી છે. ભાવનગરનું આ કન્ટેઈનર મેન્યુફેકચરિંગ યુનિટ અંદાજે 75,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. વડાપ્રધાનનાં માર્ગદર્શન પ્રમાણે, દેશને કન્ટેઈનર મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે, એમ કેન્દ્રીય શિપિંગ મંત્રીએ જણાવ્યું હતું. આ મુલાકાત સમયે ભાવનગરનાં સાંસદ ભારતીબેન શિયાળ તેમજ જામનગરનાં રાહુલ મોદી (સભ્ય, નેશનલ શિપિંગ બોર્ડ) વગેરે હાજર રહ્યા હતા. આ ઇન્સ્પેકશન દરમિયાન શિપિંગ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે રહ્યા હતા.