Mysamachar.in-જામનગર
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા પંથકમાં ગત 8 જાન્યુઆરીના રોજ એક મકાનને નિશાન બનાવી મોડી રાત્રે ત્રાટકેલી લૂંટારૂ ગેગ રોકડ,દાગીના અને કાર સહિત રૂ.8.37 લાખની મતા લઇને નાશી છુટી હતી જે ગેંગે લાલપુર પાસે પોલીસ જીપને પથ્થર મારી કાર મુકી પલાયન કરી ગયા બાદ એલસીબીએ લુંટારૂ પૈકી એક શખ્સને મધ્યપ્રદેશના ધાર જીલ્લામાંથી ઝડપી પડ્યો છે, પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ભાણવડ તાલુકાના મેવાસા વાડી વિસ્તારમાં ગોરધનભાઇ ટપુભાઇ નામના આસામીના મકાનમાં ગત તા.8ના રાત્રે છરી, દાતરડા, પાઇપ જેવા હથિયાર સાથે એક ગેંગ ધસી આવી પરીવારને ધમકાવી ઇજા પહોચાડીને રોકડ,દાગીના ઉપરાંત કાર સહિત રૂ.8.37 લાખના મુદામાલની લૂંટ ચલાવી નાશી છુટી હતી.
કાર લઇને નાશી છુટેલી ગેંગે લાલપુરના ખીરસરા નજીક પોલીસ જીપને પણ પથ્થર ઝીંકી કાર છોડીને અંધારામાં ગાયબ થઇ હતી. જે બનાવની પોલીસ તપાસ ચલાવી રહી હતી જે દરમિયાન જામનગર એલસીબીના એએસઆઇ માંડણભાઇ વશરા, ધનાભાઇ મોરી અને નિર્મળસિંહ જાડેજાને ચોકકસ બાતમી સાથે ટેકનીકલ એનાલીસીસ કરી લૂંટમાં સંડોવાયેલો આરોપી સુનિલ નારસીંગ મીનાના વતન મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં હોવાના સગડ મળતા પોલીસ ટીમે તપાસનો દૌર લંબાવ્યો હતો અને આરોપી સુનિલને તેના કાકરકુવા ગામેથી દબોચી લઇ લાલપુર પોલીસને તેનો કબજો સુપરત કર્યો હતો.
જો કે લુંટમાં સંડોવાયેલાઓમાં થી એલસીબી માત્ર એક શખ્સને ઝડપી શકી છે, જયારે પોલીસ પુછપરછમાં લૂંટારૂ ગેંગના વધુ પાંચ શખસો કમા ઉર્ફે કમલેશ સવલસિંગ મીનાવા, ગોલુ કુવરસિંગ મન્ડલોઇ, ભારત ઉર્ફે ભાઇસીંગ બીલામસિંગ મન્ડલોઇ, સોમલા બદનસિંગ બધેલ અને રાહુલ ઉર્ફે ખુમસિંગ સજનસીંગ બધેલના માત્ર નામો ખુલ્યા છે. મેવાસાની લૂંટ ઉપરાંત પરપ્રાંતિય ગેંગે વધુ ત્રણ ગુના પણ આચર્યા હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે જેમાં પોલીસ વાહન પર પથ્થરમારો તેમજ લાલપુરમાં એક બુલેટ ચોરીમાં પણ આ શખ્સો સંડોવાયા હોવાનુ ખુલ્યુ છે.