Mysamachar.in-અમદાવાદ:
સોશ્યલ મીડિયાના દુરુપયોગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, અમદાવાદમાં એક પરિણીતાને ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા ઈસમ દ્વારા ન્યૂડ વીડિયો કોલિંગ તેમજ બિભત્સ મેસેજો મોકલીને પરેશાન કરાતી હતી. ઘટનાની વિગતો મુજબ, ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરિણીતા ગૃહઉદ્યોગ ચલાવે છે. તે પરિણીતા વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયાના એકાઉન્ટ ધરાવે છે. જેમાં ગત 24 ડિસેમ્બરના રોજ તેમને ઈન્સ્ટાગ્રામ પર એક મહિલાના અજાણ્યા ID પરથી રાત્રે 10 વાગ્યે વીડિયો કોલ આવ્યો હતો. આ કોલ રિસીવ કરતા જ સામેથી ન્યૂડ વીડિયો કોલિંગ ચાલુ થઈ ગયું હતું. જોકે અચાનક ગભરાઈ ગયેલા મહિલાએ તરત જ ફોન કાપી નાખ્યો હતો.આ સમગ્ર ઘટનાની જાણ પરણીતાએ તેમના પતિને કરતા તેમણે ફરીથી આ મહિલાના ID પર વીડિયો કોલ કર્યો હતો. જોકે સામેની વ્યક્તિએ પોતાનો ચહેરો નહોતો દેખાવા દીધો. જેથી આ સમગ્ર મામલે તેમણે વીડિયો કોલિંગ કરનારીને તેમને હેરાન કરનારા કોઈ અજાણ્યા ઇસમ અથવા ઈસમો સામે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ ફરિયાદ નોંધાવી છે.