ટ્રાફિક સમસ્યાના ભરડા વચ્ચે કોર્પોરેશનના પોતાના શોપીંગ સેન્ટર પાર્કિંગ સુવિધા વિહોણા

ટ્રાફિક સમસ્યાના ભરડા વચ્ચે કોર્પોરેશનના પોતાના શોપીંગ સેન્ટર પાર્કિંગ સુવિધા વિહોણા

Mysamachar.in-જામનગર: 

શહેરમાં ટ્રાફિક સમસ્યા ભરડો લઇ ગઇ છે નિયમન નથી, કોઇ સુયોજીત રોડ વ્યવસ્થા-પાર્કિંગ વ્યવસ્થા, સીગ્નલ વ્યવસ્થા નથી ત્યારે આ ભરડા વચ્ચે કોર્પોરેશનના પોતાના શોપીંગ સેન્ટર પાર્કિંગ સુવિધા વિહોણા છે, તેમ છતાં તે તંત્રને દરકાર નથી સુભાષ શાકમાર્કેટ જે કોર્પોરેશનનું પોતાનું બિલ્ડીંગ છે અને ખુબ મોટી બજાર છે ત્યારે કોર્પોરેશનને બચાવ કર્યો છે કે આ માર્કેટ જુની હોય પાર્કીગ ફેસીલીટી ડેવલપ કરી નથી અને સ્ટ્રીટ પાર્કીગ છે. અગાઉ કદાચ ઓછા વાહન હતા પરંતુ બળદગાડા, ઊંટ ગાડી, ઘોડા ગાડીઓ તો થોકબંધ આવતી જ હતી તે આડેધડ રહેતી હતી હવે તો શાક માર્કેટ આજુબાજુ પગ મુકી શકાતો નથી ત્યારે હજુય પાર્કીંગ ફેસીલીટી ડેવલપ કરી શકાતી નથી.

તેવી જ રીતે એસટી પાસેના શોપીંગ સેન્ટરમાં એવો પ્રત્યુતર લેખિતમાં (એક પ્રશ્ર્નના જવાબમાં) અપાયો છે ગ્રાઉન્ડ ફલોરમાં પાર્ટલી પાર્કીંગ છે અને બાકી પાછળ (શોપીંગ સેન્ટરની) સ્ટ્રીટ પાર્કીંગ છે. ઉપરાંત આવી જ હાલત ખોડિયાર કોલોનીમાં આવેલા શોપીંગ સેન્ટરમાં પણ છે, જ્યાં પાર્કિગ વ્યવસ્થા નથી એક તો આ તમામ શોપીંગ સેન્ટરોમાં પાર્કિંગ વ્યવસ્થા નથી ઉપરથી આ શોપીંગ સેન્ટરોમાં દબાણ પણ થઇ ગયા છે, જે કોઇપણ પ્રકારના ચાર્જ આપ્યા વગર સ્થાયી થઇ ગયા છે છતાંય તે અંગે કોઇ કાર્યવાહીઓ થતી નથી. અમુક તો અડીંગાની જમાવટ છે અમુક ગેરકાયદેસર પ્રવૃતિઓની આશંકા છે છતાં આ અંગે કોઇ પગલા લેવાતા જ નથી, કોર્પોરેશન પોતાના બીલ્ડીંગમાં પુરતી સુવિધા અને દેખભાળ કરતુ ન હોય બીજા શોપીંગ સેન્ટરોને શું ફરજ પાડી શકશે? તે સમજી શકાય તેમ છે.

-ટ્રાફિકની વધતી સમસ્યા છતાં ગુરૂદ્વારાથી દાંડિયા હનુમાન સુધીની ડીપી કપાત ત્રાસી થઇ

ગુરૂદ્વારાથી દાંડિયા હનુમાન રોડ ઉપર ભારે વાહનોની ખુબ જ અવર-જવર રહેતી હોય પુરતી ડીપી કપાતની જરૂર છે. 24 મીટર થી માંડી 30 મીટર આ રોડ પહોળો કરવા આયોજન તો થયું પરંતુ લાઇન દોરી ત્રાસી થઇ. ડીપી કપાતમાં ખરેખર એવું બને નહીં પરંતુ એક શોપીંગ મોલ, એક પ્રતિષ્ઠીત વેપારીના બંગલાઓ અને અન્ય અમુક દુકાનોના કારણે આવુ કરવુ પડયુ છે પારદર્શીતાના બદલે સંવેદનશીલતા દર્શાઇ છે.