ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં પ્રાકૃતિક પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ

મરીન વિભાગ દ્વારા સુંદર વ્યવસ્થા

ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં પ્રાકૃતિક પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ
તસ્વીર સૌજન્ય:વિશ્વાસ ઠક્કર

Mysamachar.in- જામનગર:

જામનગર રાજકોટ હાઇવે પર જામનગરથી ૧૨ કી.મી.ના અંતરે આવેલ અને ૬ ચોરસ કી.મી.ના વિસ્તારમાં ૨ વિભાગમાં ફેલાયેલા મરીન વિભાગ હસ્તકના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં શિયાળો ગાળવા અસંખ્ય દેશ-વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે તો અનેક પક્ષીઓએ પોતાના માળા બનાવી પોતાની પ્રજાતિને આગળ વધારેલ છે.આ પક્ષી અભ્યારણ્યમાં ૩૦૦ જેટલી પ્રજાતિના ખારા-મીઠા પાણીના પક્ષીઓ તથા ફોરેસ્ટ બર્ડ નોંધાયા છે.

જેમાં આ વર્ષે ખાસ કરીને પેલિકન તથા વૈયા ખૂબ મોટી સંખ્યામાં આવેલ છે.આવનારી પેઢીને પક્ષીઓ અને પર્યાવરણ જેવા અનેક જરૂરી વિષયોની જાણકારી મળી રહે તેવા હેતુસર મરીન વિભાગ દ્વારા ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ખાતે શાળા-કોલેજના બાળકો માટે પ્રાકૃતિક-પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે,જેમાં ગુજરાતભરની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને દર વર્ષે ૫૦ બેચ આ શિબિરમાં જોડાય છે.આ વર્ષે પણ આવી શિબિરનો પ્રારંભ કરવામાં આવેલ છે.શિબિરોમા આવતા બાળકોને રહેવા માટે ૪ અદ્યતન ડોમ,ઇન્ટરપ્રિટેશન સેન્ટર,જમવા તથા પક્ષી અને પર્યાવરણની જાણકારી માટે ગાઈડની સંપૂર્ણ વ્યવસ્થા છે.ખીજડીયાના આર.એફ.ઑ. એન.એન.જોષી એ જણાવેલ,પક્ષી અભ્યારણના ફોરેસ્ટર દક્ષાબેન વઘાસીયાએ જણાવેલ કે તમામ વિદ્યાર્થીઓને પક્ષીઓ અને તેના ખોરાક અને રહેઠાણની જાણકારી મળી રહે તે માટે ૪ બાઈનોક્યુલર,૬ ગાઈડ,૨ ફોરેસ્ટર અને ૪ ગાર્ડ સેવા આપી રહ્યા છે.

આ વર્ષે અહી કોરમોરન્ટ,નાની ડુબકી,ખીજડીયાની શાન એવા મોટી ડુબકી અને બ્લેક નેકડ સ્ટોર્ક સહિતના અનેક પક્ષીઓના માળા મોટા પ્રમાણમાં થયેલા હતા અને હાલમાં તમામ પક્ષીઓ બચ્ચા સાથે જોવા મળી રહ્યા છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્યના પાર્ટ-૨માં વાહન લઈને પક્ષી દર્શન માટે જઈ શકાય છે,

જ્યારે પાર્ટ-૧ પક્ષીઓના માળા અને રહેઠાણ થતા હોય પાર્ટ-૧માં વાહનો પર પ્રતિબંધ છે જેના કારણે સાઇકલ અને પગપાળા જતા પ્રવાસીઓ કોઈપણ જાતના ઘોંઘાટ કે ડિસ્ટર્બન્સ વગર પક્ષીઓને વધુ નજીકથી નિહાળી શકે છે.વેકેશન બાદ ૧૬ ઑક્ટો.થી પ્રવાસીઓ માટે ખુલેલ આ પક્ષી અભ્યારણ્યનો મોટી સંખ્યામાં લોકો અને પક્ષી પ્રેમીઓ તથા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો લાભ લઈ ચૂક્યા છે અને હજુ શિયાળાની ઋતુમાં દેશ-વિદેશના અને સ્થાનિક લોકો લાભ લઈ શકશે.

આ વર્ષ જામનગરમાં વરસાદ નહિવત હોવા છતા પાર્ટ-૧માં પાણી હોવાથી દેશ-વિદેશના પક્ષીઓ આ પક્ષી અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં મુકામ કરી રહ્યા છે,જે પક્ષીપ્રેમીઓ માટે આનંદની વાત કહી શકાય. 
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.