ચૂંટણીઓ પૂર્વે સોશિયલ મીડિયા પર જામશે પ્રચાર મહાયુદ્ધ
સોશિયલ મીડિયા સમિટમાં પ્રદેશ BJP અધ્યક્ષે કાર્યકરોને કહ્યું......

Mysamachar.in:ગાંધીનગર
સરેરાશ નાગરિકને મન લોકસભાની આગામી ચૂંટણીઓ હજુ ઘણાં મહિનાઓ દૂર છે, પરંતુ નેતાઓ અને કાર્યકર્તાઓ છેલ્લાં દોઢ-બે વર્ષથી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ દરેક મૂવ લઈ રહ્યા છે. સરકારી યોજનાઓની વાતો તથા કાર્યક્રમો પણ ચૂંટણીઓ માટે જ થઈ રહ્યા હોવાનું સૌ જાણે છે, હવે આ બધી સ્થિતિ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષે એક નવું પગલું જાહેર કરી દીધું છે. લાખો યુવા કાર્યકર્તાઓને જાહેરમાં કહી દીધું છે કે, સોશિયલ નેટવર્કિંગ પર છવાઈ જાઓ. ભાજપા અને નરેન્દ્ર મોદી સિવાય સોશિયલ મીડિયા પર કશું જ દેખાવું ન જોઈએ. મોટા પ્રચાર યુદ્ધ માટેનો તેઓએ આદેશ છોડી દીધો છે.
લોકસભા ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે પ્રદેશ ભાજપા યુવા મોરચા દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. કોબા સ્થિત કમલમ ખાતે આ સમિટ યોજવામાં આવી હતી. આ બેઠકને સંબોધતા પ્રદેશ બીજેપી અધ્યક્ષ સી.આર.પાટિલે કહ્યું કે, વિરોધી પાર્ટીઓ પાસે દેશને આપવા માટે કશું સારું ન હોવાથી તેઓ નેગેટિવ પ્રચાર કરતાં ફરે છે. જેથી યુવા મોરચાના કાર્યકરોએ લોકોને સાચી હકીકતોથી વાકેફ કરવા જોઈએ. મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે કહ્યું હતું કે, વિપક્ષે મહાઠગ ગઠબંધન બનાવ્યું છે જેનો યુવા કાર્યકર્તાઓએ જડબાતોડ જવાબ આપવો જોઈએ.
પ્રદેશ બીજેપી અધ્યક્ષ સી.આર.પાટિલે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ કરેલા કામોનો હિસાબ જનજન સુધી પહોંચાડવાની જવાબદારીઓ યુવા કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપાડી લેવી જોઈએ. તેઓએ કહ્યું, ભારત સરકારે રેલ્વે ક્ષેત્રમાં મોટી ક્રાંતિ સર્જી છે. કોંગ્રેસની સરકારમાં ટ્રેનનો એક સ્ટોપેજ મેળવવામાં પણ તકલીફ પડતી. લોકોને નિરાશા હાથ લાગતી. કાર્યકર્તાઓએ વંદે ભારત ટ્રેન વિષે સમજવું જોઈએ. લોકો સુધી તેની વિગતો પહોંચાડવી જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના જમાનામાં યોજનાઓ કાગળ પર બનતી અને ભ્રષ્ટાચાર થતો. મોદી સરકારની યોજનાઓ છેવાડાના માણસ સુધી પહોંચી છે. અને કોઈ વચેટિયો યોજનાઓમાં ન આવે તેની ચિંતા કરી છે. દેશમાં મોદી સરકારની 180 યોજનાઓ ચાલી રહી છે.