Mysamachar.in-અમદાવાદ:
તાજેતરમાં નકલી અધિકારીઓ બની રોફ મારવાના અને નકલી પોલીસ બની લોકોને લુંટવાના કિસ્સાઓ અલગ અલગ શહેરોમાંથી સામે આવતા હોય છે, આવું જ અમદાવાદ શહેરમાં બન્યું…જ્યાં બે આરોપીઓએ નકલી પોલીસ બનીને એક યુવકને છરી બતાવી 18500ની લૂંટ ચલાવી હતી. જે બાદ આરોપીઓને પકડવા માટે પોલીસ વોચ ગોઠવી હતી અને ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય એકને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.મહંમદ હમજા શેખ નામનો શખ્સ નકલી પોલીસ બનીને લૂંટ કરતા ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. આરોપી નકલી પોલીસ બનીને લૂંટ કરવા જતી વખતે માથામાં લાંબા વાળ રાખતો હતો. લૂંટને અંજામ આપી દીધા બાદ આરોપી માથામાં મુંડન કરાવીને ખુલ્લેઆમ ફરતો હતો. વેજલપુર વિસ્તારમાં ગઇકાલે આરોપી મહંમદ હમજા અને અન્ય એક સાગરિત સાથે મળીને નકલી પોલીસ બની છરી બતાવીને યુવક પાસેથી 18500ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
વેજલપુર પોલીસને લૂંટમાં વપરાયેલી વાહનની ચોક્કસ બાતમી મળતા ફતેવાડી કેનાલ પાસેથી આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતા પોલીસ તેને ઓળખી ના શકે તે માટે મુંડન કરવી દેતો હતો. આરોપીની વધુ પૂછપરછ કરતાં અગાઉ ગાંધીનગર અને કાલુપુર વિસ્તારમાં લૂંટને અંજામ આપી ચુક્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે થઈને આ પ્રકારની લૂંટને અંજામ આપતો હતો.આ ગુન્હામાં અન્ય એક ફરાર આરોપીની ધરપકડ બાદ અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારની લૂંટ કરી છેકે કેમ તમામ ખુલાસા સામે આવશે.