જામનગર હોય કે પછી, જંબુસર-જાફરાબાદ, ચૂંટણીખર્ચના જાહેર થતાં આંકડાઓ બેમતલબ
જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર થયેલા ચૂંટણીખર્ચના જાહેર આંકડાઓ !

Mysamachar.in:જામનગર
ચૂંટણીઓ લોકશાહીનું પર્વ છે, એવું આપણે ત્યાં કહેવાય છે. અને, પ્રત્યેક ચૂંટણી લડવા માટે ઉમેદવારે નિયત ખર્ચ કરતાં વધુ ખર્ચ કરવાનો નથી ! એમ ચૂંટણી તંત્ર કહે છે. જાહેર કરે છે. અને, ચૂંટણી પછી એ પણ જાહેર થાય છે કે, ચૂંટણી દરમિયાન સૌએ નિયત મર્યાદામાં ખર્ચ કર્યો ! આ આખો વિષય અભણ મતદારો પણ સારી પેઠે જાણે છે તેથી અત્રે જાહેર થયેલાં આંકડાઓ જ માત્ર દર્શાવ્યા છે. ગત્ વિધાનસભા ચૂંટણી દરમિયાન જામનગર શહેર જિલ્લાની કુલ પાંચ બેઠકો પૈકી સૌથી વધુ નાણું જામનગર ગ્રામ્ય બેઠક પર ખર્ચ થયું અને સૌથી ઓછું નાણું જામનગર દક્ષિણ બેઠક પર ખર્ચ થયું. એમ જામનગર જિલ્લા ચૂંટણી તંત્રની ' દેખરેખ ' પાંખએ જાહેર કર્યું છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કુલ ઉમેદવારોની સંખ્યા મોટી ન હતી. સૌથી વધુ ઉમેદવારો જામનગર દક્ષિણ બેઠક પર હતાં. જે પૈકી બે ઉમેદવારોએ હજુ સુધી ખર્ચ જાહેર નથી કર્યો.
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર સૌથી વધુ રૂ. 63.60 લાખનો ખર્ચ જાહેર થયો છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર, ઉમેદવારોએ પોતાના ચૂંટણી ખર્ચનો અંતિમ હિસાબ ચૂંટણી પછીનાં 30 દિવસ દરમિયાન આપવાનો હોય છે. પાંચ બેઠકો પરનાં કુલ 45 ઉમેદવાર પૈકી 42 ઉમેદવાર દ્વારા કુલ રૂ. 2.77 કરોડનો ખર્ચ જાહેર કરવામાં આવ્યો છે. પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો પર ભાજપાનાં ઉમેદવારોએ તથા એક બેઠક જામજોધપુર પર ' આપ ' નાં ઉમેદવારે અન્ય ઉમેદવારો કરતાં વધુ ખર્ચ કર્યો છે. જે ત્રણ ઉમેદવારોએ ખર્ચ હજુ સુધી જાહેર નથી કર્યા તેઓને ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે.
ગત્ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે વ્યક્તિગત ખર્ચ મર્યાદા રૂ. 40 લાખ નિર્ધારિત કરવામાં આવી હતી. જે ત્રણ ઉમેદવારોએ ખર્ચ રજૂ નથી કર્યા તેઓએ શા કારણથી ખર્ચ રજૂ નથી કર્યા ? તેનાં કારણો પણ આપ્યા ન હોય, આ કારણો પૂછવા નોટિસ આપવામાં આવી છે. કાલાવડ ભાજપાનાં ઉમેદવારે સૌથી વધુ રૂ. 23.36 લાખનો ખર્ચ દર્શાવ્યો છે. અને સૌથી ઓછો ખર્ચ જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરનાં એક અપક્ષ ઉમેદવારે રૂ. 12,450 જાહેર કર્યો છે.
જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર સૌથી વધુ ઉમેદવારો હતાં. જ્યાં સૌથી ઓછો ખર્ચ જાહેર થયો છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તથા એક અપક્ષ ઉમેદવાર દ્વારા ખર્ચનાં આંકડા હજુ જાહેર કરવામાં આવ્યા નથી. આ બેઠક પર શાસકપક્ષના ઉમેદવારને જામનગર જિલ્લામાં સૌથી વધુ લીડ પ્રાપ્ત થયેલી. આ બેઠક પર કુલ ઉમેદવારોનો ખર્ચ રૂ. 43.64 લાખ જાહેર થયો છે.