બેંક કર્મચારીએ વિચિત્ર રીતે કરી આત્મહત્યા

બારી ખોલીને જોયું તો શરીર ફુલાઈ ચુક્યું હતું

બેંક કર્મચારીએ વિચિત્ર રીતે કરી આત્મહત્યા
symbolic image

Mysamachar.in-વડોદરા

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા બેન્ક કર્મચારીની રહસ્યમય સંજોગમાં આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જાતેજ ઓક્સિજન બોટલ અને મોઢા પર માસ્ક લગાવી સુઇ જતા મોત નીપજયાનું સામે આવ્યું છે. 24 વર્ષના બેંક કર્મચારીએ વિચિત્ર ઢબે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. કર્મચારીએ ઓક્સિજનનો બોટલ લાવી માસ્ક લગાવી અને મોઢા પર કોથળી પહેરી આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

મૂળ હરિયાણાના મંકવાસ ભિવાનીના પાડવાન ગામમાં રહેતો 24 વર્ષનો આશિષ અનિલ સંઘવાન શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા કૃષ્ણદીપ ટેનામેન્ટમાં નીચેના માળે ભાડેથી રહેતો હતો. આશિષ 6 મહીના પહેલા વડોદરા આવ્યો હતો અને એસબીઆઈ બેંકમાં નોકરી કરતો હતો. હાલમાં તે મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એસબીઆઈની બ્રાન્ચમાં ટ્રેઇનિંગમાં હતો, એવામાં જાણવા મળતી વિગતો મુજબ ગત 11મી તારીખે તે ઓક્સિજન સિલિન્ડર લઈને આવ્યો હતો, ત્યારબાદ તેણે મકાન અંદરથી બંધ કરી સુઈ ગયો હતો.

પરંતુ બારણું અંદરથી બંધ હોવાથી પાછળની બારી ખોલી જોતા આશિષનો મૃતદેહ ફુલેલી હાલતમાં દેખાયો હતો. તેણે મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવી મોઢા પર કોથળી પહેરેલી હાલતમાં જણાતા પોલીસને જાણ કરી હતી. પોલીસને એક ત્રણ લિટીની લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મેં મારી જાતે સુસાઇડ કરું છું, આ ઘટના માટે કોઇ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કર્યો હતો.હવે પોલીસ આ મામલે આપઘાત પાછળ ખરેખર કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.