Mysamachar.in-ગોંડલ:
અનૈતિક સંબંધ કેટલાય પરિવારોને વેર વિખેર કરી નાખે છે, અને અનૈતિક સબંધોમાં પડેલો માણસ કોઇપણ હદ હોય તેને પાર કરી દેતા પણ અચકાતો નથી આવો જ એક કિસ્સો ગોંડલ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. જેમાં સગા બનેવીએ સાળાની પત્ની સાથેના અનૈતિક સંબંધને લઇ સાળાને દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા નિપજાવવાનાનો પ્રયાસ કર્યો હતો.ગોંડલના ગુંદાળા રોડ પર રહેતા વિરેન્દ્રભાઈ એ સિટી પોલીસ મથકમાં તેના સગા બનેવી જીતેશ વાઘમશી તેમજ પોતાની પત્ની કૈલાશબેન વિરુદ્ધ દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા કરવાની કોશિશની ફરિયાદ નોંધાવી છે, વિરેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ૧૯ જાન્યુઆરી રવિવારના સાંજે તેના સગા બનેવી જીતેશે તેને દારૂ પીવા માટે તાલુકા પોલીસ મથકની બાજુમાં પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો અને તેને બે ગ્લાસ દારૂ ભરીને તૈયાર રાખ્યા હતા અને એ દારૂ પિતા તેમાં તેને ઝેરી ગંધ આવતા તેને શંકા ગઈ હતી અને તે દારૂ પડતો મુકી ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોચ્યા બાદ ચક્કર આવતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા અને ત્યાં ઝેરી દવા પીધી હોવાનું બહાર આવ્યું હતું અને દવાખાનામાંથી રજા મળતા આજે તેઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે તેના પત્ની અને બનેવીના અણછાજતા ફોટોગ્રાફ તેમજ મોબાઇલ ફોનની ત્રણ ઓડિયો ક્લિપ પણ પોલીસને આપી હતી. આ ઓડિયો ક્લિપમાં અનૈતિક સંબંધમાં આંધળા બનેલા જીતેશ અને પત્ની કૈલાસ દ્વારા વિરેન્દ્ર તથા તેના બહેન વર્ષાનો કાંટો કાઢી નાખવાની વાતચીતનો પણ ઓડિયો હોવાનું જણાવ્યું હતું.પોલીસે હત્યા નિપજાવવાની કોશિશની કલમ ૩૦૭ ૧૨૦ બી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ તેજ કરી છે.