Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગરમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે ગુરૂવારે સવારથી સુરક્ષાકર્મીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા અને કામગીરી કરવામાં આવી હતી. સુરક્ષાકર્મીઓ ચૂંટણીનાં મતદાન દિવસે સોંપવામાં આવેલી ચૂંટણી ફરજોમાં વ્યસ્ત હોય છે તેથી તેઓ માટે તથા અન્ય સરકારી કર્મચારીઓ માટે દરેક ચૂંટણી વખતે ચૂંટણી પંચનાં નિયમ મુજબ, મતદાન પૂર્વે બેલેટ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જામનગર શહેર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક ખંભાળિયા ખાતે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આજે સવારે જામનગરમાં સાત રસ્તા નજીક આવેલી પ્રભુલાલ સંઘરાજ શાહ-DCC હાઈસ્કૂલનાં મેદાન ખાતે આ પોસ્ટલ બેલેટ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં 1357 હોમગાર્ડઝ, 959 પોલીસકર્મીઓ અને 783 GRD કર્મીઓએ પોસ્ટલ બેલેટ વડે મતદાન કર્યું હતું. કુલ 3,099 સરકારી કર્મીઓ માટે આ વ્યવસ્થા સવારે 09/00 થી સાંજના 05/00 વાગ્યા સુધી ગોઠવવામાં આવી હતી. ચૂંટણી માટેનાં નોડલ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલી આ વ્યવસ્થા દરમિયાન સુરક્ષાકર્મીઓએ સવારથી મતદાન માટે કતાર લગાવી દીધી હતી
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 ની ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. આજ રોજ પોલીસ સ્ટાફ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. 81ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ફરજ બજાવતા 978 પોલીસ સ્ટાફ મતદાન કરી રહ્યા છે.