મીઠાપુરમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ, 3 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

એક શખ્સને ઉભો રાખી નામઠામ પૂછતાં મામલો બીચકયો અને

મીઠાપુરમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ, 3 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

વાત દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં બનેલ ઘટનાની છે, જ્યાં ખુદ પોલીસ પણ સુરક્ષિત ના હોવાનો કિસ્સો સામે આવ્યો છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા જે મીઠાપુર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે પોતાની કાયદેસરની ફરજમાં પ્રોહિબિશનના ગુન્હાઓ અંગે ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન તેઓ મીઠાપુર નજીકના સુરજકરાડી વિસ્તારમાં ગણેશપરા ખાતે પહોંચતા આ સ્થળે પસાર થયેલા શંકાસ્પદ રમેશ ચના પરમાર નામના શખ્સને હેડ કોન્સ્ટેબલ અજયસિંહે અટકાવી અને કેટલીક પૂછપરછ કરતાં આરોપી રમેશ પરમારને આ બાબત સારું લાગ્યું ન હતું. જેથી તેણે પોલીસ કર્મીને ગાળો કાઢી અને ઝપાઝપી કરી હતી.

આ દરમિયાન અન્ય આરોપીઓ જીવા ચના પરમાર તથા મોહન ચના પરમાર નામના અન્ય બે શખ્સો પણ અહીં ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા સાથે આવેલા ત્રણેય શખ્સોએ મળી અને હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજાને ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી તથા ધોકા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. એટલું જ નહિ, આરોપી રમેશે અજયસિંહનું દબાવી, અને ત્રણેય આરોપીઓએ પોલીસકર્મીને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી સુરજકરાડીમાં વસવાટ કરતા ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 307, 323, 333, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.આ બનાવે પોલીસબેડામાં પણ ભારે ચકચાર જગાવી છે.