પકડ વોરંટ લઇ આરોપીને પકડવા ગયેલ પોલીસ સ્ટાફ પર હુમલો કરી નાખ્યો 

અહી  બની છે આ ઘટના 

પકડ વોરંટ લઇ આરોપીને પકડવા ગયેલ પોલીસ સ્ટાફ પર હુમલો કરી નાખ્યો 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-દાહોદ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં પકડ વોરંટ સાથે આરોપીને પકડવા ગયેલી ધાનપુર પોલીસ પર મહિલા સહિત આઠથી દશ ઈસમોના શસ્ત્ર ટોળાએ પથ્થર મારો કર્યો હતો. ઉપરાંત લાકડીઓ લઈ દોડી આવી પોલીસ કર્મચારીઓ પર હુમલો કરતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવી રહેલા એ.એસ.આઈ. વિદેશકુમાર હિરાસિંહ ચૌહાણ સહિત તેમની સાથે અન્ય પોલીસ કર્મચારીઓ પકડ વોરંટની બજવણી માટે આરોપી બાબુ અપ્પુભાઈ વાખળાને પકડવા ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે ગયા હતા.

 

આ દરમિયાન પીપરગોટા ગામે રહેતો આરોપી બાબુ અપ્પુભાઈ વાળખા તથા તેની સાથેના નરવત અપ્પુભાઈ વાખળા, વનરાજ બાબુભાઈ વાખળા, શારદા બાબુભાઈ વાખળા, સુમિત્રા નરવતભાઈ વાળખા તથા તેમની સાથે અન્ય ઈસમોનું ટોળું હાથમાં મારક હથિયારો ધારણ કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ પાસે આવ્યું હતું.ઉપરાંત બેફામ ગાળો બોલી "અમારા ઘરે કોર્ટના કાગળો લઈ કોઈને પકડવા આવ્યો છો તો તમને મારીને જંગલમાં ફેંકી દઈશું", તેમ કહી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. તેમજ પથ્થરમારો કરી, લાકડીઓ વડે માર મારી પોલીસ કર્મચારીઓને શરીરે, હાથે પગે તેમજ શરીરે ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી વિદેશકુમાર હિરાસિંહ ચૌહાણે ઉપરોક્ત ઈસમોના ટોળા વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.