Mysamachar.in-જામનગર:
જામનગર તાલુકાના નવા મોખાણા ગામે તું મારી ગર્લફ્રેન્ડના નંબર બીજાને કેમ આપશ તે બાબતે એક યુવાન સાથે ફોનમાં માથાકુટ કર્યા બાદ ગામની બહાર બોલાવી પાંચથી છ જેટલા શખ્સોએ એક યુવાન સહિત બે પર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.જામનગર તાલુકાના મોખાણા ગામે રહેતા કરણ દિલીપભાઇ દેગામા નામના 19 વર્ષીય યુવાન સાથે કિશન આહીર નામના શખ્સે તું કેમ મારી ગર્લફ્રેન્ડના નંબર બીજાને આપશ તેમ કહી ફોનમાં માથાકુટ કરી હતી ત્યારબાદ આ બાબતે વાતચીત કરવા યુવાનને ગામની બહાર બોલાવ્યો હતો. જેથી કરણ અને હિતેષ બન્નેએ ગામની બહાર ગયા હતા. આ દરમ્યાન જીવલેણ હથિયારો સાથે ધસી આવેલ કિશન આહીર, પ્રવિણ આહીર અને અજય આહીર (રહે.અલીયાબાળા સહિત અજાણ્યા બે થી ત્રણ શખ્સોએ કરણ અને હિતેષ પર હુમલો કર્યો હતો.
આ દરમ્યાન પિત્તો ગુમાવી બેઠેલ કિશન આહીરે છરીનો ઘા ઝીંકી દેતા કરણ દેગામાને કપાળના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. આ ઉપરાંત આરોપી અજયએ માથાના ભાગે ધોકાનો ઘા ઝીંકતા કરણને હેમરેજ સહિતની ઇજા થઇ હતી તથા આજે તો તને મારી જ નાખવો છે તેમ કહી આરોપી અજય સહિત અજાણ્યા શખ્સોએ હિતેષ પર પણ લાત્તો મારી હુમલો કર્યો હતો. આમ આ મામલે કરણ દેગામાએ પંચકોષી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તમામ શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.