ત્રણ દિવસ ફરી બદલાશે ગુજરાતનું વાતાવરણ વાંચો શું કહે છે હવામાન વિભાગ

કૃષિમંત્રીએ પણ લખ્યું કે...

ત્રણ દિવસ ફરી બદલાશે ગુજરાતનું વાતાવરણ વાંચો શું કહે છે હવામાન વિભાગ
file image

Mysamachar.in-અમદાવાદ:

ભારે વરસાદ બાદ શિયાળામાં પણ માવઠાને કારણે વાતાવરણમાં પલટો અને ખેડૂતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે, એવામાં ફરી એક વખત ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,  રાજ્યના ઘણાં ભાગોમાં શિયાળામાં આજથી એટલે કે 30 નવેમ્બર થી બીજી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર્, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. 30 નવેમ્બરની વાત કરીએ તો, ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે, ઝડપથી પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તેમજ અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને અને દીવમાં કમોસમી વરસાદ થશે 1 ડિસેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે. 

2 ડિસેમ્બર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે જ 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે.તેમજ અરબી સમુદ્રમાં પવનની ગતિ વધારે રહેવાના કારણે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

-કૃષિમંત્રી રાઘવજી પટેલે પોતાના ફેસબુક પર લખ્યું કે...

રાજ્યમાં 30 નવેમ્બરથી 02 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની સંભાવનાઓ છે.એવા સમયમાં દરેક APMC ખાતે પાક સુરક્ષિત રહે એ માટે સૂચના અપાઇ ચૂકી છે.જરૂરી છે કે દરેક ખેડૂતમિત્ર પણ સંભવિત નુકસાન થી બચવા માટેની તકેદારી લે સરકાર તરફથી જરૂરી તમામ તકેદારી સુવિધાની વ્યવસ્થા છે.