2000ની નોટ અંગેની જાહેરાત થતા જ જાલીનોટ છાપવાની ગતિ તેજ કરી

ફોટોશોપ સોફ્ટવેરની મદદથી છાપતા હતા આ નોટો

2000ની નોટ અંગેની જાહેરાત થતા જ જાલીનોટ છાપવાની ગતિ તેજ કરી

Mysamachar.in:રાજકોટ

તાજેતરમાં જ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2000ની ચલણી નોટો અંગેની એક જાહેરાત કરવામાં આવી અને આ નોટ જમા કરાવવા સહિતની બાબતો જાહેર કરી હતી. આ જાહેરાતથી એવા લોકો હરકતમાં આવ્યા જેની પાસે 2000ની ચલણી નોટો હોય...આવા જ લોકોની તકનો લાભ લઇ રાજકોટમાં કેટલાક શખ્સોએ 2000 સિવાયની ચલણી નોટો પૂરબહારમાં છાપકામ શરુ કરી દીધાની માહિતી પરથી પોલીસ ટીમોએ દરોડો પાડી લાખોની નકલી નોટો બરામદ કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે પોલીસ ટીમોને બાતમી મળેલી કે, સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક, પામ સીટી ચોક, નીરા ડેરી ખાતેથી તેમજ મોરબી રોડ, અમૃત પાર્ક મેઈન રોડ, બ્લોક નં.1, હોટલ રેડ રોઝ પાછળ, વિશાલભાઇ ગઢીયાના મકાનમાં નકલી ચલણી નોટો છે. ત્યાં દરોડો પાડતા ભારતીય ચલણની બનાવટી ચલણી નોટ જેમાં રૂ.500ના દરની બનાવટી 4622 નોટ, તથા રૂ.100ના દરની બનાવટી 335 નોટ મળી 23,44,500ની નકલી નોટ કબ્જે કરાઈ હતી. રાજકોટ પોલીસે નિકુંજ અમરશી ભાલોડીયા રહે. મોરબી રોડ, અમૃત પાર્ક મેઈન રોડ, વિશાલ ગઢીયાના મકાનમાં અને વિશાલ બાબુ ગઢીયા સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક 'નિરા' મકાનમા તેમજ વિશાલ વસંત બુધ્ધદેવ રહે, સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક, પામ સીટી બ્લોક નં.ઇ 904ની ધરપકડ કરી છે.

પોલીસે ચલણી નકલી નોટો ઉપરાંત સ્કેનર કમ પ્રિન્ટર, કોમ્પ્યુટર સિસ્ટમ, 3 મોબાઈલ ફોન કબ્જે લીધા છે. પૂછપરછમાં ખુલ્યું છે કે, આરોપી વિશાલ ગઢીયા તથા વિશાલ બુધ્ધદેવ બન્ને વિશાલ ગઢીયાની દુકાનમાંથી રૂ.500 ના દરની બનાવટી 200 નોટો સાથે ઝડપાયા હતા. જે નોટો આરોપી વિશાલ ગઢીયાએ આરોપી નિકુંજ ભાલોડીયા પાસેથી લીધેલ હોવાનુ જણાવતા, બંન્ને આરોપીઓને સાથે રાખી નિકુંજ ભાલોડીયાના મકાન ખાતે તપાસ કરતા આરોપી નિકુંજ સ્કેનર મારફતે સ્કેન કરી ત્યાર બાદ જે.પી.જી. ફાઇલને ફોટો શોપમાં એડીટીંગ કરી કલર પ્રીન્ટર મારફત પ્રિન્ટ આપી બનાવટી ચલણી નોટો બનાવતો હોવાનું ખુલ્યું હતું. આ નિકુંજ પાસેથી રૂ.500 ના દરની 4622 નોટ તથા રૂ.100 ના દરની 335 નોટ મળી આવી હતી.