જરૂર પૂરતી ટેબ્લેટ-કેપ્સ્યુલ ખરીદી શકાશે : આખી સ્ટ્રીપ ફરજિયાત નહીં
દવાનો બગાડ અટકાવવા તથા દર્દીઓ પરનો નાણાંબોજ ઘટાડવા સરકારનો વ્યૂહ...

Mysamachar.in:ગુજરાત
દર્દીઓ અને દર્દીઓનાં પરિવારજનો મોંઘીદાટ અને પુષ્કળ દવાઓની ખરીદીમાં બેવડા વળી જતાં હોય છે. સરકાર દેશભરમાં આ ગ્રાહકોને રાહત મળે એ દિશામાં નવી વ્યવસ્થા લાવવા ઉત્સુક છે અને એ માટે ફાર્મા ઉદ્યોગ સાથે મંત્રણાઓ પણ ચાલી રહી છે. સરકાર સમક્ષ હાલ બે મુદ્દા છે. દવાઓનો બગાડ અટકાવવો અને દવાઓની ખરીદીમાં ગ્રાહકોને નાણાંની બાબતમાં રાહત આપવી. ફાર્મા કંપનીઓ સાથેની વાતચીતમાં સરકાર હાલ બે વિકલ્પ પર વિચારણા કરી રહી છે.
મોટાભાગના કિસ્સાઓમાં દર્દીઓએ મેડિકલ સ્ટોર્સ પરથી ટેબ્લેટ અથવા કેપ્સ્યુલની આખી સ્ટ્રીપ જરૂરિયાત ન હોવા છતાં ખરીદવી પડે છે કેમ કે, કેટલાક મેડિકલ સ્ટોર્સ સંચાલકો છૂટી ટેબ્લેટ અથવા કેપ્સ્યુલ આપતાં નથી ! જેને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો પર બિનજરૂરી આર્થિક બોજ પડે છે. સરકાર ફાર્મા કંપનીઓ સાથે વાટાઘાટ કરી રહી છે. આ માટે બે વિકલ્પ ચર્ચામાં છે. પ્રથમ વિકલ્પ : દરેક ટેબ્લેટનાં પેકિંગ પાછળ ઉત્પાદન તારીખ, મહત્તમ વેચાણ કિંમત તથા એક્સપાયરી તારીખ પ્રિન્ટ કરવામાં આવે. બીજો વિકલ્પ : દરેક ટેબ્લેટ અથવા કેપ્સ્યુલ પેકિંગ પર એક QR કોડ પ્રિન્ટ કરવામાં આવે, જેમાં ઉપરોક્ત બધી વિગતો જાહેર કરવામાં આવે.
સરકારનાં ગ્રાહક બાબતોનાં મંત્રાલય અને ફાર્મા કંપનીઓ વચ્ચે આ બાબતે કન્સલ્ટિંગ ચાલી રહ્યું છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર દવાઓની સ્ટ્રીપ બાબતે હજારો ફરિયાદો ઉઠતાં સરકાર અને કંપનીઓ વચ્ચે આ મંત્રણાઓ શરૂ થઈ. સરકારી અધિકારીઓએ ફાર્મા કંપનીઓ અને મેડિકલ ડિવાઈસ કંપનીઓને કહ્યું છે કે, પેકિંગમાં જરૂરી ફેરફારો કરવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે અથવા નવી ટેકનોલોજીનો આવિષ્કાર કરવામાં આવે. સૂત્રો જણાવે છે કે, દરેક ટેબ્લેટ અથવા કેપ્સ્યુલ પેકિંગ પર QR કોડ પ્રિન્ટ કરવાનો ખર્ચ ટેબલેટ દીઠ માત્ર દસ પૈસા થાય.