Mysamachar.in-અમદાવાદ
નકલી આધારકાર્ડ અને આવકના દાખલા સસ્તા અનાજની દુકાનમાં બનાવવાનો પર્દાફાશ થયો છે, આ કૌભાંડમાં સંડોવાયેલા એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી પાસેથી પૂર્વ કોર્પોરેટરોના સહી કરેલા લેટરપેડ પણ મળી આવ્યા છે. વાત અમદાવાદની છે જ્યાં શહેરમાં બનાવટી આધારકાર્ડ અને આવકના દાખલા બનાવી આપવાના રેકેટનો ગોમતીપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. સરકારી અનાજની દુકાનમાં ચાલતા આ ગોરખધંધામાં સંડોવાયેલા એક સગીર, વસીમ મન્સૂરી, ઇબ્રાહિમ મન્સૂરીને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી પાસેથી કોર્પોરેટરોની સહી કરેલું લેટરપેડ પણ મળી આવ્યું છે. જે અંગે કોર્પોરેટરની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીની પૂછપરછમાં નવા ખુલાસાઓ થવાની શક્યતાઓ છે.
પટેલ મિલ પાસે સરકારી અનાજની દુકાનમાં બનાવવામાં આવતા બનાવટી આધારકાર્ડનું રેકેટ ઝડપાયું છે. રેડ દરમિયાન 500 રૂપિયાથી લઈ એક હજાર રૂપિયામાં આધાર કાર્ડ બનાવી રહેલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ગોમતીપુર પોલીસે આરોપીઓ પાસેથી એક લેપટોપ, થમ્બ પ્લેટો, લેમિનેશન મશીન, રાઉટર, પ્રિન્ટર, 15 આધાર કાર્ડ, ત્રણ રેશનીંગ કાર્ડ, આઠ આવકના દાખલા, પાંચ સ્ટેમ્પ અને બે મોબાઇલ કબજે કર્યા છે. આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે ફોર્મ મળી આવ્યા છે. સાથે સાથે શહેરકોટડા ઝોનનો એક સિક્કો પણ કબજે કરવામાં આવ્યો છે. આ તમામ દસ્તાવેજો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ જે કોર્પોરેટરોના નામના દસ્તાવેજો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અને આ નકલીના ખેલમાં કોઈ અન્ય સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.