4 વર્ષની માસૂમ બાળાને 30 ધબ્બા મારનાર 'જશોદા'ની ધરપકડ 

આ પ્રકારનો કોઈ પણ બનાવ બને તો, તાકીદે સ્થાનિક સત્તાવાળાઓને જાણ કરો: શિક્ષણમંત્રી

4 વર્ષની માસૂમ બાળાને 30 ધબ્બા મારનાર 'જશોદા'ની ધરપકડ 

Mysamachar.in-સુરત:

ભારતીય પૌરાણિક કથાઓમાં યશોદા ઉર્ફે જશોદા નામનું એક પાત્ર છે, જે બાળ કનૈયાના અનેક તોફાનો છતાં ક્યારેય કાના પર ગુસ્સો નથી કરતું અને પોતાનું સંતાન ન હોવા છતાં કાનાને અખૂટ વ્હાલ આપે છે. અને, એક આ સુરતની 'જશોદા' !! સુરતની જશોદા પર સમગ્ર રાજયમાં ફીટકાર વરસી રહ્યો છે. જશોદા ખોખરીયા નામની આ ઝનૂની અને નિર્દય મહિલા ખાનગી શાળા સાધના નિકેતન(પૂણાગામ,સુરત)માં શિક્ષિકા છે. ઘણાં લોકો એમ પણ કહે છે કે, આ જશોદા માનસિક રીતે વિકૃત અથવા મનોરોગી હોવાની શકયતાઓ છે.

આ મહિલાએ ગત્ 9 ઓક્ટોબરે 4 વર્ષની એક માસૂમ બાળાને, કલાસમાં ઢીબી નાંખી ! બાળાનો વાંક એ હતો કે, તેણે હોમવર્ક કર્યું ન હતું. આ વાયરલ વીડિયોમાં સૌથી મહત્વનો મુદ્દો એ રહ્યો કે, આ જશોદા લિટરલી માસૂમ બાળાને ઢોરમાર મારી રહી છે! ઉપરાઉપરી 30 ધબ્બા! કલ્પના કરો, બાળાની માનસિક હાલત કેવી રહી હશે ?! અને આ શિક્ષિકાની મનોદશા કેટલી હદે બિમાર હશે! આ જંગલિયતને કારણે આ વાયરલ વીડિયો નિહાળનાર પ્રત્યેક વ્યક્તિ આ શિક્ષિકા પ્રત્યે ધિકકાર વરસાવી રહી છે.

બુધવારે આ વીડિયો વાયરલ થતાં સમગ્ર રાજયમાં ચકચાર મચી ગઈ. ખુદ શિક્ષણ વિભાગ હચમચી ગયો. વિભાગે આ સંદર્ભે એક પરિપત્ર પણ બહાર પાડવો પડયો. આ પ્રકારના શિક્ષક અને શાળાઓને પરિપત્ર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી. રાજયના શિક્ષણમંત્રી પાનસેરિયાએ પત્રકારો સમક્ષ કહ્યું: આ બનાવની ગંભીર નોંધ લેવામાં આવી છે અને કસૂરવાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, એ માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ પ્રકારનો કોઈ પણ બનાવ કયાંય પણ બને તો, સંબંધિતોએ તાકીદે સ્થાનિક સતાવાળાઓનો સંપર્ક સાધવો એમ પણ શિક્ષણમંત્રીએ કહ્યું.

આ બાળાના વાલીની ફરિયાદને આધારે પોલીસે આ શિક્ષિકાની ધરપકડ કરી છે. અને તેની વિરુદ્ધ આઈપીસીની કલમ ઉપરાંત જુવેનાઈલ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શાળાએ આ શિક્ષિકાનું રાજીનામું સ્વીકારી લીધું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષિકા તથા શાળા સંચાલકનું નિવેદન નોંધી લીધું છે. પોલીસે આ વીડિયો ફૂટેજ કબજે લીધાં છે. સમગ્ર કેસ પર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વિપુલ પટેલ નજર રાખી રહ્યા છે. સમગ્ર સુરતમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે.