ધનાઢ્ય પરિવારોને ખેડૂત હોવાનો અનુભવ કરાવી રહી છે આ મહિલા

જાણો કેવી રીતે ?

ધનાઢ્ય પરિવારોને ખેડૂત હોવાનો અનુભવ કરાવી રહી છે આ મહિલા

Mysamachar.in-વડોદરાઃ

ભારતએ ખેતી પ્રધાન દેશ છે, જો કે ઔદ્યોગિક વિકાસને કારણે લોકો બિઝનેસ અને અન્ય વેપાર તરફ વળ્યા છે, તેમ છતા લોકોમાં ખેતી પ્રત્યેની લાગણી આજે પણ દિલમાં છૂપાયેલી છે. આ લાગણીને ધ્યાને રાખી વડોદરાની મહિલા અવની જૈને આર્કિટેકનો વ્યવસાય છોડીને ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી અનોખી યોજના શરૂ કરી છે, જેમાં તેણીએ પોતાની જમીનના પ્લોટ પાડી ભાડે આપવાનું શરૂ કર્યું છે, આ પ્લોટ ભાડે ધનાઢ્ય લોકો ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી પોતે ખેડૂત હોવાનો અનુભવ કરી રહ્યાં છે.

અવની જૈનનું કહેવું છે કે હું આર્કિટેક છું. પરંતુ, હું ખેડૂતની દીકરી હોવાથી ખેતી કરવી મને વધુ પસંદ હતી. જેથી મે છેલ્લા 10 વર્ષથી ખેતી કરવામાં ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. મારે પરંપરાગત ખેતી કરવી ન હતી. હું કંઇક નવું કરવા માંગતી હતી. તેના માટે મેં ઘણા પુસ્તકોનો અભ્યાસ પણ કર્યો છે. અને છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક શાકભાજી કરવાનું શરૂ કર્યું છે. જે લોકો ખેતી કરવા માંગે છે. પરંતુ, તેઓ પાસે ખેતર નથી. તેવા લોકોને પણ મારા જ ખેતરમાં 500 સ્ક્વેર ફૂટનો પ્લોટ 4 માસ માટે રેન્ટ ઉપર આપીને તેઓને શાકભાજીની ખેતી કરાવી રહી છું. રેન્ટ ઉપર જગ્યા લેનાર પરિવાર પોતાના પ્લોટમાં થનાર શાકભાજીના માલિક બને છે. શાકભાજીની ખેતી કરવા માટે ઇચ્છા ધરાવતા લોકોને શાકભાજીની ખેતી કરાવતા પૂર્વે તમામ પ્રકારની તાલીમ પણ આપવામાં આવે છે. અને તેઓને 15 દિવસે ખેતરમાં બોલાવીને શાકભાજીની કેવી રીતે માવજત થાય છે. તેની માહિતી આપવામાં આવે છે. તાલીમ લેનાર પરિવારો મારા ખેતરમાં રેન્ટનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પોતાના ઘરે જગ્યા હોય તો તેઓ પોતાના ઘરે પણ શાકભાજી ઉગાડી શકે છે. અને શુદ્ધ ઓર્ગેનિક શાકભાજી ઉપયોગમાં લઇ શકે છે.

અવની જૈને આર્કિટેકનો વ્યવસાય છોડીને ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી છે. અવનીની દુમાડ ગામ પાસે 7 વીઘા જમીન આવેલી છે. અવની છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી છે. હાલ તેઓ પોતાના ખેતરમાં ટામેટા, ફ્લાવર, દૂધી, ગલકા, મરચા, બીટ, ગાજર, પાલક સહિત વિવિધ પ્રકારના શાકભાજી કરી રહ્યા છે. અને આ તાજા અને ઓર્ગેનિક શાકભાજી વડોદરા લાવીને તેનું વેચાણ કરે છે. તેઓનો ઓર્ગેનિક શાકભાજીના વેચાણમાંથી નફો મેળવવાનો આશય નથી, તેઓ બજારમાં વેચાતા અન્ય શાકભાજીના ભાવે જ શાકભાજી વેચે છે. તેમનો ઉદ્દેશ્ય લોકોને શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજી મળે તેવો છે. શહેરમાં રહેતા બાળકો ભાગ્યે જ ખેતીનો અનુભવ કરી શકે છે, એવામાં જમીન ભાડે રાખનારા ધનાઢ્ય પરિવારના બાળકો ખેતીની પ્રવૃતિઓ નિહાળી ફાર્મ હાઉસમાં આવ્યા હોય તેવો અનુભવ કરે છે.