Mysamachar.in-જામનગર;
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાળલગ્ન કરાવવાનું પ્રમાણ વધ્યું હોય પણ આવા લગ્ન પરિપૂર્ણ થાય તે પૂર્વે જ તેને અટકાવી દેવામાં લગત વિભાગો સફળ રહ્યા છે, ત્યારે ગતરોજ પણ કાલાવડ ખાતે થઇ રહેલ આવા જ વધુ એક બાળલગ્ન અટકાવી દેવામાં આવ્યા છે, સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે ફરીથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા ગતરોજ કાલાવડ (શીતળા) ખાતે બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગએ મે માસમાં પણ બે બાળ લગ્ન થતા અટકાવ્યા હતા જયારે જુન માસની શરૂઆતમાં જ કાલાવડ તાલુકામાં એક્શનમાં આવી અસરકારક કામગીરી કરી બાળ લગ્ન થતા અટકાવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે જામનગર જિલ્લાના કાલાવડ (શીતળા)માં યોજાઈ રહેલા લગ્ન બાળ લગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે સમાજ સુરક્ષા ટીમ, બાળ સુરક્ષા ટીમ, અને કાલાવડ ટાઉનના પોલીસ સ્ટેશનમાંથી પી.આઈ. યુ. એચ.વસાવાની ટીમ કાલાવડ (શીતળા) ગામ ખાતે પહોંચી હતી અને 17 વર્ષની સગીરાના થનારા બાળ લગ્ન અટકાવી અને કાયદાકીય જાણકારી આપી દીકરી પુખ્તવયની થયા બાદ જ તેણીના લગ્ન કરાવવા પરિવારજનોને સમજણ આપેલ હતી.
ઘટના સ્થળે 18 વર્ષથી નીચેની ઉમરની સગીરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ તેમના માતા-પિતાને સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે તેમ છે. જામનગરના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીના સમજાવ્યા બાદ સગીરાના માતાપિતા માની ગયા હતા. તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. જ્યારે યુવતીની ઉંમર 18 વર્ષ થઈ જાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેમ વડીલોએ સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું. આમ જામનગર સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. સમાજ સુરક્ષા વિભાગ ટીમે લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં જ તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.