ફેસબુક એકાઉન્ટ હેક કરી નાણા પડાવતા શખ્સોમાં 2 દ્વારકા જીલ્લાના...

અમરેલી સાઈબર પોલીસે ઝડપી પાડ્યા છે 

ફેસબુક એકાઉન્ટ હેક કરી નાણા પડાવતા શખ્સોમાં 2 દ્વારકા જીલ્લાના...

Mysamachar.in-અમરેલી:

સોશ્યલ મીડિયાના દુરુપયોગના કિસ્સાઓ વચ્ચે હમણાં હમણા ફેસબુક એકાઉન્ટ યેનકેન પ્રકારે હેક કરી અને તે એકાઉન્ટધારકના નામે પૈસા પડાવવાનો ખેલ ચાલી રહ્યો છે, એવામાં ખેડા અને દ્વારકા પંથકના ત્રણ શખ્સોએ મિલાપીપણું કરી સોશ્યલ મિડીયાના એકાઉન્ટ હેક કરી જે તે એકાઉન્ટ ધારકના સગા સંબંધીને ફોન  કરી રોકડ રકમ પોતાના  ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરવાના ગુન્હામાં  અમરેલી સાયબર સેલ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ગેંગે અમરેલી જિલ્લામા બે અને જુનાગઢ જિલ્લામા એક વ્યકિત સાથે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે, 

અમરેલી સાયબર પોલીસના જણાવ્યાનુસાર સોશ્યલ મિડીયાના એકાઉન્ટ હેક કરી છેતરપીંડી કરનારી ગેંગના ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામના પ્રિતેશ મહેશ પ્રજાપતિ, દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શેઢાખાઇ ગામના અક્ષય નારણ અને જગદીશ નારણ નામના શખ્સોની ધરપકડ કરવામા આવી છે. આ ત્રણેય શખ્સોએ અમરેલીના એક વકિલના સોશ્યલ મિડીયાના એકાઉન્ટનો પાસવર્ડ ચેંજ કર્યો હતો અને પોતે જે તે સોશ્યલ મિડીયાની ઓફિસમાંથી બોલે છે,તેવું જણાવી તેની પાસેથી ઓટીપી મેળવી એકાઉન્ટનો પાસવર્ડ હેક કરી પોતાના  કબજામા લઇ લીધુ હતુ. અને બાદમા વકીલના પરિચિતો અને સગા સબંધીઓને નાણાની જરૂર છે તેવા મેસેજ મોકલી અક્ષય તથા જગદીશના ખાતામાં  રકમ ટ્રાન્સફર કરાવી હતી.

આવી જ રીતે મોટા મુંજીયાસરના રમેશભાઇ કાળુભાઇ સતાસીયાનુ એકાઉન્ટ હેક કરી તેમના સબંધીઓ પાસેથી રૂપિયા 11 હજારની રકમ ટ્રાન્સફર કરાવી હતી. જુનાગઢ જિલ્લામા પણ એક એકાઉન્ટ હેક કરી 23500ની રકમ ટ્રાન્સફર કરાવી હતી. ત્રણેય ગુનામા ધરપકડ કરી પોલીસે મુદામાલ રીકવર કરવા તજવીજ હાથ ધરી છે.