અનોખુ સંશોધનઃ આ યુવાને રીસર્ચ કરી કેળના થડમાંથી કાગળ બનાવ્યો

આત્મનિર્ભર થવા માટે આવું પણ  કરી શકાય

અનોખુ સંશોધનઃ આ યુવાને રીસર્ચ કરી કેળના થડમાંથી કાગળ બનાવ્યો

Mysamachar.in-છોટા ઉદેપુર 

સામાન્ય રીતે વૃક્ષોના માવામાંથી કાગળ તૈયાર કરવામાં આવે છે. આ સિવાય નકામા થઈ ગયેલા કાગળને રીસાયકલ કરીને પણ તૈયાર કરવામાં આવતા હોય છે. પરંતુ, ક્યારેય કેળના થડમાંથી કાગળ તૈયાર કરવામાં આવ્યો હોય એવું સાંભળ્યું છે ખરા? અસાધારણ લાગતુ કામ જયપુરના એક વિદ્યાર્થીએ ગુજરાતમાંથી સાકાર કરી બતાવ્યું છે. એટલું જ નહીં તે કાગળ બનાવી આત્મનિર્ભર થવા માટે અનેક સ્થાનિકોને પણ તાલિમ આપી રહ્યો છે.

તેજગઢ ભાષા સંશોધન કેન્દ્રમાં રાજસ્થાનના જયપુર શહેરમાંથી આવેલા એક વિદ્યાર્થીએ અનોખું રીસર્ચ કર્યું છે. મૂળ બિહારના પટણાનો અને હાલ જયપુરમાં રહેતા રવિરાજે પોતાના અભ્યાસ દરમિયાન કેળના થડમાંથી કાગળ કેવી રીતે બની શકે એના વિશે પહેલા અભ્યાસ કર્યો. રવિરાજે આ પ્રયોગ માટે છોટા ઉદેપુરના પાવી જેતપુર પાસે આવેલા તેજગઢ ભાષા સંશોધન કેન્દ્ર પર પસંદગી ઊતારી. તે છેલ્લા ચાર મહિનાથી અહીંયા જુદા જુદા પ્રયોગ કરતો હતો. અંતે કેળના થડમાંથી કાગળ બનાવવામાં મોટી સફળતા મળી. હવે તે આવા કાગળ બનાવી આત્મનિર્ભર બનવા માટે અહીંના સ્થાનિકોને તાલિમ આપી રહ્યો છે. તેજગઢ વિસ્તારના અનેક લોકો રોજગારી મેળવે એ માટે પણ તે પ્રયત્નશીલ છે. જેને બનાના પેપર પણ કહે છે. આ બનાના પેપરનું આયુષ્ય જાપાન તેમજ બીજી ઘણી જગ્યાએ થયેલા સંશોધન-અભ્યાસ અનુસાર 200થી 500 વર્ષ હોવાનું દાવો થઈ રહ્યો છે. 

કેળના થડમાંથી ત્રણ લેયર કાઢી એ પૈકી બે લેયરને બીજા કામમાં લેવામાં આવે છે. જ્યારે ત્રીજા લેયરનો ઉપયોગ રેશા તૈયાર કરવામાં થાય છે. કાગળ તૈયાર કરવા માટે વિદ્યાર્થીએ થડનો ઉપયોગ કરી એના રેશા કાઢ્યા હતા. જેને એક કલાક સુધી 100 ડિગ્રી તાપમાને ઉકાળવામાં આવ્યા. ત્યાર બાદ રેશાને ખાંડણીથી અતિ બારીક રીતે ખાંડી એક માવો બનાવવામાં આવ્યો. પછી એના પલ્પને કાગળનું સ્વરૂપ આપવા માટે લાકડાની ફ્રેમમાં પાણી સાથે એલોવીરા મિશ્રિત કરી ઉજળું કરવા-સફેદ કરવા હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરાયો. લાકડાની આ ફ્રેમમાં એને પાથરી શીટ તૈયાર કરવામાં આવી. આ શીટને બેથી ત્રણ કલાક સુધી અથવા તો એક દિવસ સુધી સૂકવી દેવામાં આવે છે. તે પછી કાગળ તૈયાર થાય છે. યુવાનો કંઈક અસાધારણ કરવા માટે માન્યમાં ન આવે એવું રીસર્ચ કરતા હોય છે. માત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવા હેતું જ નહીં પણ આસપાસના સ્થાનિકો પણ આત્મનિર્ભર બની રોજગારી મેળવતા થાય એવા કામ કરે છે. આ માટે તાલિમવર્ગ યોજીને ગ્રામ્યની પ્રજાને પશુપાલન અને ખેતી સિવાય પણ આત્મનિર્ભર થઈ શકાય એવા સંદેશા આપે છે.