હાલારની 17 ગ્રીન સ્કૂલ્સ વિષે  આ પણ જાણી લ્યો....

આ પ્રકારના કોન્ટ્રાકટ બિનઅનુભવી એજન્સીઓને આપવામાં આવ્યા છે : CAG 

હાલારની 17 ગ્રીન સ્કૂલ્સ વિષે  આ પણ જાણી લ્યો....
symbolice image

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

ગુજરાત વિધાનસભામાં CAGનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે રાજ્યમાં ગ્રીન સ્કૂલ્સ માટેનાં કોન્ટ્રાકટ બિનઅનુભવી એજન્સીઓને આપવામાં આવ્યા છે ! રાજ્યનાં ગ્રીન સ્કૂલ્સ માટે ચોક્કસ સાધનો વસાવવાનાં હોય છે. આ પ્રકારના સાધનો પૂરાં પાડવા કેટલીક પાર્ટીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આ આખી કામગીરીમાં મોટી ગેરરીતિઓ થઈ હોવાનું કેગ નાં લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ કોન્ટ્રાકટ એવી પાર્ટીઓને પણ આપી દેવામાં આવ્યા છે જે પાર્ટીઓ આ કામ કરતી નથી પરંતુ લેન્ડસ્કેપિંગ તથા કન્સ્ટ્રકશનનાં કામો કરી રહી છે.

રાજ્યનાં કુલ 27 ગામોમાં આ પ્રકારની 28 સ્કૂલ્સ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. જે પૈકી 11 સ્કૂલ મોરબી અને દાંડીમાં તથા બાકીની 17 સ્કૂલ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે. ગ્રીન સ્કૂલ્સમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવવાની હોય છે. અને, ટેન્ડર દસ્તાવેજ કહે છે : આ પ્રકારની સિસ્ટમ લગાવવાના કામમાં જે પાર્ટી રોકાયેલી હોય, તે પાર્ટી આ પ્રકારના કામનો અનુભવ ધરાવતી હોવી જોઈએ. આ પ્રકારનો અનુભવ ધરાવતી માત્ર એક જ એજન્સીને કામ આપવામાં આવ્યું છે. બાકીની પાર્ટીઓ બિનઅનુભવી છે.

જે પાર્ટીઓ CCTV કેમેરા, જૂનિયર એન્ડ સિનિયર મેથેમેટિક્સ લેબ કીટ, સોલાર LED સ્ટ્રીટ લાઈટ અને ક્લાસરૂમ પ્રોજેક્ટર જેવાં સાધનોની સપ્લાયનો અનુભવ ધરાવતી નથી, તેવી પાર્ટીઓને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોવાનું CAG રિપોર્ટમાં કહેવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, CAG નાં લેટેસ્ટ રિપોર્ટમાં રાજ્ય સરકારની નાણાંકીય સહિતની અસંખ્ય ક્ષતિઓ અને અનિયમિતતાઓ વગેરે અંગે ઘણું કહેવાયું છે ! રાજ્ય પરનાં દેણા અંગે પણ ટિપ્પણીઓ અને સૂચન કરવામાં આવ્યા છે.