Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં બેફામ ફટાકડા વેચાણ અને સંગ્રહ થયા છે, જાહેર રસ્તાઓ પર લોકોનું જીવ જોખમાય તે રીતે બિન્દાસ્ત ફટાકડાનું વેચાણ થઇ રહ્યું છે, અને ચેકિંગને નામે માત્ર નાટકો થાય છે, નામદાર સુપ્રીમ કોર્ટ અને ગૃહ વિભાગના આદેશોને ધ્યાને લઇને જામનગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંમાં કેટલાક એવા મુદ્દાઓ ઉડીને આંખે વળગે છે જેનો અમલ થવો ખુબ જરૂરી છે પણ થતો નથી, અને કોઈ કરાવતું પણ નથી ત્યારે લોકોએ પણ જાગવું પડશે ઘર કે દુકાનની આસપાસ નિયમોની એસીતેસી કરી ફટાકડાનું વેચાણ થઇ રહ્યું હોય તો પોલીસવિભાગ મામલતદાર કચેરી સહિતના સ્થળોએ સામેથી જાણ કરી અને પગલા લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
ગૃહવિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે. તેના અમલીકરણ માટે તથા આગામી દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જામનગર જિલ્લામાં ફટાકડા ખરીદ,વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવું જરૂરી જણાય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973(1947ના નં.2 ની કલમ-144 અન્વયે સત્તાની રૂએ જામનગર જિલ્લાની હદ વિસ્તારમાં નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા ફરમાવ્યુ છે જેમાં…
-દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે 20:00 થી 22:00કલાક સુધી જ ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ) (Joint firecrackers, Series Crackers, or Laris) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતિ હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકશે નહીં.
-હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO (Petroleum & Explosives Safety Organization) સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર (Decibel Level) વાળા જ ફટાકડા વેચી વાપરી શકાશે PESO દ્વારા એવા અધિકૃત માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર PESO થી સુચના પ્રમાણેનું માર્કિંગ હોવુ જરૂરી છે.
-હોસ્પીટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે
-ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપકાર્ટ, એમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબ સાઈટ ફટાકડાના વેચાણમાટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં કે ઓનલાઈન વેંચાણ કરી શકાશે નહીં.
-લોકોને અગવડ ઉભી ન થાય કે કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જામનગર જિલ્લાની બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી….બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી.ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોડાઉનની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહીં.
કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ/ આતશબાજી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઈપણ સ્થળે ઉંડાળી શકાશે નહીં. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓએ કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમકોર્ટના તા.23/10/2018 ના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે.