પોલીસે બુટલેગરો પાસેથી જપ્ત કરેલ દારૂની પોલીસ હેડ ક્વાર્ટરમાંથી ચોરી સામે આવી...!

પોલીસ બેડામાં ચર્ચાનો વિષય..

પોલીસે બુટલેગરો પાસેથી જપ્ત કરેલ દારૂની પોલીસ હેડ ક્વાર્ટરમાંથી ચોરી સામે આવી...!
file image

Mysamachar.in-જામનગર:

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે પરંતુ અનેક વખત પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને ગેરકાયદેસર દારૂ પકડવાની કાર્યવાહી પણ થતી રહે છે... પરંતુ શું પોલીસે જપ્ત કરાયેલા દારૂના જથ્થાની જ ચોરી થઈ ગઈ હોય એવું બહુ જુજ સામે આવતું હોય છે, અને આવો જ એક આશ્ચર્ય પમાડે તેવો દારુ ચોરીનો કિસ્સો જામનગર પોલીસ હેડ ક્વાર્ટરમાંથી સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે,  કારણ કે, જામનગરમાં પોલીસે જપ્ત કરાયેલા દારૂના જથ્થાની ચોરી થયાનું સામે આવ્યું છે...

જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસે મુદ્દામાલ રૂમમાં દારૂનો જથ્થો રાખ્યો હતો અને સમયાંતરે તંત્ર દ્વારા દારૂના જથ્થાને નાશ પણ કરવામાં આવતો હોય છે.. પરંતુ હેડક્વાર્ટર ખાતે મુદ્દામાલ રૂમમાંથી અંગ્રેજી દારૂની 317 બોટલ અને 7 નંગ બિયરની ચોરી થઈ ગયાની ઘટના સામે આવી છે... લોકોની સુરક્ષા કરતું પોલીસ તંત્રને તેના જ હેડ ક્વાર્ટર ખાતે રાખેલ દારૂના વિશાળ જથ્થાની ચોરી કરી ચોરે પોલીસને જાણે પડકાર ફેંક્યો હોય તેમ આ ઘટના બની છે... જો કે, આ ઘટના સામે આવતા શહેરભરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે... ત્યારે પોલીસે ખુદ ફરિયાદી બની  એક કાયદાથી સંઘર્ષિત કિશોર સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..,

સીટી સી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલએ સીટી બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ હેડક્વાર્ટર ખાતે રહેતા અને અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોર સામે જપ્ત કરેલ દારુના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવી છે.. આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી કિશોરએ હેડક્વાર્ટર ખાતેના મુદ્દામાલ રૂમમાં રાખેલ 317 નંગ અંગ્રેજી દારૂની બોટલ અને 7 નંગ બિયરની એટલે કે કુલ રૂ. 155500ના મુદ્દામાલની ચોરી કરી હોવાનું તેમજ પોલીસને આ કિશોરના કબ્જામાંથી 29 નંગ અંગ્રેજી દારૂની બોટલો તેમજ 2 નંગ બિયરના કબ્જે કર્યા છે,

હાલ તો સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે... પરંતુ કેટલાક સવાલોની સાથે અહીં એક સવાલ એ પણ થાય કે શું પોલીસકર્મીઓની જ્યાં સતત અવર જવર હોય ત્યાંથી આટલો વિશાળ દારૂના જથ્થાની કેવી રીતે ચોરી થઈ ગઈ ? આવા કેટલાક સવાલો નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે... જો કે પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે... ત્યારે પોલીસ તપાસ બાદ શુ સામે આવે છે તે જોવું જ રહ્યું.