પેટાચુંટણીઓમાં ભાજપના વિજય બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે....

આ વિજય જનતાનો વિજય છે. તેમની લાગણી અને ઈચ્છાઓને પૂરી કરીશું તેમ પણ સીએમે કહ્યું

પેટાચુંટણીઓમાં ભાજપના વિજય બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે....
file image

Mysamachar.in-ગાંધીનગર

ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણીઓ વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા, અને તેના સ્થાને ખાલી પડેલ વિધાનસભા બેઠકોમાં પેટાચુંટણીની જાહેરાત ચુંટણીપંચ દ્વારા કરવામાં આવી હતી, અને મતદાન બાદ આજે મતગણતરીના ચાર કલાક પૂરા થઈ ગયા છે, ત્યારે પેટાચૂંટણીના પરિણામનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અબડાસા, ધારી, ડાંગ, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા જેવી સાત બેઠકો પર ભાજપ સારી એવી લીડથી આગળ નીકળી ગયું છે.

માત્ર એક મોરબી બેઠક પર રસાકસીભર્યો માહોલ છે. જેમાં પણ ભાજપના બ્રિજેશ મેરજા 17 રાઉન્ડના અંતે આગળ આવી ગયા છે. (આ લખાય છે ત્યાં સુધી) પેટાચૂંટણીમાં ભાજપએ સફળતા હાંસલ કરી છે, પેટાચૂંટણીમાં ભાજનો ઢોલ વાગ્યો છે તેવો મતદારોએ સ્પષ્ટ બહુમતી સાથે સ્પષ્ટ કરી દીધું હોય તેમ લાગે છે,

પેટા ચુંટણીઓમાં વિજય બાદ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં મતગણતરી નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છીએ. સમગ્ર જગ્યાએ એનડીએ આગળ છે. સર્વત્ર ભાજપનો વિજય થયો છે. ગુજરાતમાં આઠેય આઠ બેઠક પર ભાજપ જીતની દિશામાં આગળ વધી રહી છે. મતદારો અને ગુજરાતની જનતાનો આ વિજય છે. ડાંગના ઈતિહાસમાં પહેલીવાર આટલી સરસાઈ મળી છે. ત્યાં લોકોએ ભરી ભરીને મત આપ્યા છે. આ ચૂંટણી 2022ની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂટણી, 2022ની ચૂંટણીમાં દિશાનિર્દેશન કરનારું આ પરિણામ છે.

પ્રજાની અપેક્ષાઓ ક્યાંય ઓછી ન થાય તેની અમે ચિંતા કરીશું. કોરોનાકાળમાં આ ચૂંટણી યોજાઈ તેમાં લોકોએ અનેક વાતો કરી. પરંતુ મતદાન પણ ભારે થયું અને લીડ પણ સારી મળી. આ વિજય જનતાનો વિજય છે. તેમની લાગણી અને ઈચ્છાઓને પૂરી કરીશું તેની ખાતરી આપીએ છીએ. હવે ભાજપના 111 ધારાસભ્ય બન્યા છે. ભવ્ય જીત થઈ છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.