કાર થાંભલા સાથે અથડાઈ અને પલ્ટી ગઈ પછી..

ત્રણ ના થયા મોત 

કાર થાંભલા સાથે અથડાઈ અને પલ્ટી ગઈ પછી..
File image

My samachar.in : મોરબી

મોરબી-રાજપર રોડ પર ગતરાત્રિના સમયે થોરાળા ગામના પાટિયા પાસે એક કાર થાંભલા સાથે અથડાતા દંપતી સહિત ત્રણના મૃત્યુ થયા હતા. આ ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી, ટંકારામાં રહેતા અને ચાચાપર પાસ આવેલી પોલીપેકની ફેક્ટરીમાં મજૂરનો કોન્ટ્રાક્ટ રાખતો બિહારનો રંજન અને સાહેબલાલ તેમજ તેમના પત્ની બુધવારે સાંજે ફેક્ટરીએ ગયા બાદ રાત્રિના એસન્ટ કાર જીજે03CA 4814માં બેસીને પરત ટંકારા તરફ આવી રહ્યા હતા ત્યારે 10:30 કલાક આસપાસ થોરાળા ગામના પાટિયા પાસે હનુમાનજી મંદિર નજીક એક થાંભલા સાથે કાર અથડાયા બાદ પલટી જતા તેમાં બેઠેલા પતિ-પત્ની અને કોન્ટ્રાક્ટર સહિત ત્રણેયના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.

થાંભલા સાથે કાર કેવી રીતે અથડાઇ તે અંગે હજુ સુધી કોઇ વિગતો સ્પષ્ટ થઇ નથી પરંતુ વણાંકના કારણે અકસ્માત થયાનું પ્રાથમિક દૃષ્ટિએ બહાર આવ્યું છે. અકસ્માતમાં ભોગ બનેલું દંપતી ઝારખંડનું હોવાની વિગતો પણ પોલીસને મળી છે.અકસ્માતમાં ભોગ બનનાર ત્રણેયની ઉંમર 30 થી 32 વર્ષની હોવાનું પોલીસે જણાવ્યું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે થાંભલા સાથે અથડાયા બાદ કારનો બૂકડો બોલી ગયો હતો અને પલટી મારી ગઇ હતી. અકસ્માતની જાણ થતાં થોરાળા ગામના લોકો દોડી આવ્યા હતા અને ત્રણેયના મૃતદેહને બહાર કાઢવા માટે પોલીસને મદદ કરી હતી.પોલીસ આ મામલે વિશેષ તપાસ કરી રહી છે.