Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં મોટાપાયે ડીઝલ ચોરીનું રેકેટ શરુ થયું હોય તેમ તાજેતરના દરોડાઓ પરથી લાગે છે, પહેલા એસઓજી, બાદમાં બેડી મરીન પોલીસ અને આજે જામનગર એલસીબી ટીમે જે રસ્તો સચાણાને જોડે છે તે જાબુંડાગામના પાટીયા પાસેથી ચોરાઉ ડિજલનો જંગી જથ્થા સહીત 4.31 લાખના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,
એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પીએસઆઈ આર.બી.ગોજીયા, કે.કે.ગોહીલ તથા બી.એમ.દેવમુરારી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના ફીરોજ દલ તથા વનરાજ મકવાણાને મળેલ ખાનગી હકિકત આધારે જાબુંડાગામના પાટીયા પાસેથી કારાભાઇ મેધાભાઇ ભુડીયા રહે.ખજુરડી ગામ-૧ ભરવાડ પાડા તા.પડધરી જી.રાજકોટ તથા મયુરભાઇ મનુભાઇ જેઠા રહે.ગુલાબનગર હરીદ્વાર પાર્ક જામનગર વાળાના કબજાની બોલેરો પીકઅપ વાહન નંબર જી.જે.13-AT-9298 માંથી બીલ આધાર વગરનું 41 કેરબામાં ભરેલ ડીઝલ કુલ 2450 લીટર કિ.રૂ. 2,20,500 તથા બોલેરો કાર નંબર જી.જે-13-AT-9298 કિ.રૂ. 2,00,000 તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. 10500 મળી કુલ 4,31,000 નો મુદામાલ શકપડતી મિલ્કત તરીકે એ.એસ.આઇ. માંડણભાઈ વસરાએ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા પંચકોષી એ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે,
વારંવાર આ રીતે બિલ આધાર વગરનું ડીઝલનો મોટો જથ્થો મળી આવવો તે એટલી વાત સ્પષ્ટ કરે છે કે જામનગર નજીક ક્યાંક સુનિયોજિત ડીઝલ ચોરીનું રેકેટ ચાલી રહ્યું છે, અને હવે આ મામલે ના માત્ર પોલીસ પણ પુરવઠા અધિકારીની ટીમે પણ ઝંપલાવી અને આ રેકેટનો પર્દાફાશ કરવો જોઈએ.મહત્વનું છે કે થોડાસમય પૂર્વે જામનગરની ફરતે હાઈવે પર બાયોડીઝલના હાટડાઓ શરુ થયા હતા તે માંડ બંધ થયા છે ત્યાં આ રીતે ફરી ડીઝલ ચોરીનું રેકેટ મોટું હોય તેવી શંકા જાણકારો વ્યક્ત કરે છે.