મેટ્રોમોનીયલ સાઈટ પરથી લગ્ન કર્યા બાદ આ યુવતીને આવ્યો પસ્તાવાનો વારો

કસુવાવડ બાદ આરામ કરવા આવેલ યુવતી સાથે પતિએ કર્યું આવું

મેટ્રોમોનીયલ સાઈટ પરથી લગ્ન કર્યા બાદ આ યુવતીને આવ્યો પસ્તાવાનો વારો
symbolic image

Mysamachar.in-અમદાવાદ

કેટલાય યુવકો અને યુવતીઓ આજના સમયમાં જયારે પોતાના લગ્નમાં વિલંબ થતો હોય ત્યારે મેટ્રોમોનીયલ સાઈટનો સહારો લેતા હોય છે, આવા કિસ્સાઓમાં અમુક સફળતાથી ઘરસંસાર ચાલે છે તો અમુકમાં એક યા બીજા પાત્રને પસ્તાવાનો પાર રહેતો નથી, અમદાવાદ શહેરના સરદારનગરમાં રહેતી એક યુવતીએ તેના પતિ સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિનો અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ છે. તેણે મને કોઇ જ વાતની જાણ કર્યા વગર મને પિયરથી લેવા આવ્યો નહીં અને મારો સામાન પિયર કુરિયર કરી દીધો.

આ મામલો કઈક એવો છે કે ફરિયાદી યુવતી ડિવોર્સી હતી અને બાદમાં મેટ્રિમોનિયલ સાઈટ પરથી તેણે એક યુવક સાથે સંપર્ક કરી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવકે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખી તેની પત્ની પર ત્રાસ ગુજાર્યો હતો. લગ્ન બાદ આ યુવતીને કસુવાવડ થઈ ત્યારે તેને પિયર મોકલ્યા બાદ પરત તેડવા આવ્યો ન હતો અને તમામ સામાન તેને પિયરમાં કુરીયર મારફતે મોકલી દીધો હતો. જેથી કંટાળીને મહિલાએ તેના પતિ સામે ફરિયાદ આપતા પોલીસે આ મામલે મુંબઈના યુવક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

36 વર્ષીય યુવતીના વર્ષ 2007માં પહેલા લગ્ન થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ ના રહેતા વર્ષ 2011માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ એક મેટ્રોમોનીયલ સાઈટ પર પ્રોફાઈલ બનાવી હતી અને તે દરમિયાન 2015માં મુંબઈના એક યુવક સાથે તેનો સંપર્ક થયો હતો. આ જે યુવક હતો તે પણ ડિવોર્સી હોવાથી આ યુવતી એ યુવક સાથે ફોન પર વાતચીત અને વોટ્સએપ ચેટિંગ શરૂ કર્યું હતું. બાદમાં વર્ષ 2015માં યુવકના ઘરેથી આ યુવતીને જોવા માટે અમદાવાદ તેનો પરિવાર આવ્યો હતો અને બાદમાં લગ્ન નક્કી કર્યા હતા. બાદમાં આ યુવતી પતિ સાથે મુંબઈ રહેવા ગઇ હતી. લગ્નના છ એક મહિના બાદ યુવતીને જાણવા મળ્યું કે, તેના પતિ અને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ છે.

જેથી તે તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવા કહેતી ત્યારે તેનો પતિ તેને માર મારતો હતો. એટલું જ નહીં લગ્ન બાદ જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે તેને કસુવાવડ થઇ ગઇ હતી અને જેના કારણે તે માનસિક આઘાતમાં હતી જેથી તેના પતિએ તેને થોડો સમય પિયરમાં માનસિક શાંતિ માટે રહી આવવા કહ્યું હતું અને યુવતી બાદમાં તેના પિયર રહેવા ગઈ હતી. પરંતુ ત્યારબાદ તેનો પતિ તેને પરત લેવા આવ્યો જ નહોતો. સોશિયલ મીડિયા ઉપર પણ પતિએ તેની પત્નીને બ્લોક કરી લીધી હતી અને તેનો સામાન પણ કુરીયર મારફતે મોકલાવી દીધો હતો અને લગ્નની વાત ભૂલી જજે તેમ જણાવી વકીલ મારફતે લિગલ નોટિસ મોકલી હતી. આ પ્રકારના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આ મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.