પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકના મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ બાદ રૂપાણીએ લખ્યું કે..

આગામી દિવસોમાં આ ઘટનાના ઘેર પ્રત્યાઘાતો પડી શકે છે

પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકના  મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ બાદ રૂપાણીએ લખ્યું કે..

Mysamachar.in-ગાંધીનગર:

ભગવાન શ્રી કૃષ્ણ પર કરેલા નિવેદનના થયેલ વિવાદ બાદ દ્વારકા માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરારિબાપુ જ્યારે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક પોતાને શોભે નહિ તે રીતે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક પણ ત્યાં આક્રોશિત થઇને આવી પહોચ્યા હતા, જો કે મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સમયસુચકતા વાપરીને પબુભાને દુર લઇ ગયા હતા, અને મામલો થાળે પાડ્યો હતો, મહત્વનું છે કે જયારે આ ઘટના ઘટી ત્યારે ત્યાં સાસંદ પૂનમબેન માડમ સહિત આહીર સમાજના અગ્રણીઓ અને મિડીયાકર્મીઓ ઉપસ્થિત હતા. આ ઘટના બાદ મોડી રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતી અને હિંદીમાં બે ટ્વીટ કર્યા હતા અને મોરારિબાપૂ પરના હુમલાને વખોડી કાઢ્યો હતો. જોકે, રૂપાણીએ સૂચક રીતે પોતાના ટ્વીટમાં ક્યાય પણ પબુભા માણેકનું નામ લીધું નહોતું.

રૂપાણીએ ટ્વીટર પર લખ્યું કે, 'ભારતના પ્રખર અને ગણમાન્ય સંત પૂજ્ય મોરારીબાપુ સાથે દ્વારકામાં થયેલી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છું. આજે મોરારીબાપુએ ભગવાન દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના ઉપર એ જ વાતને લઈને કરાયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે.' મુખ્યમંત્રીએ આ ટ્વીટ બાદ થોડીક જ સેકન્ડોમાં હિન્દીમાં પણ આ ટવીટ કર્યું છે.