પ્રેમીએ પ્રેમિકા પાસે ડેટિંગ પર કરેલ ખર્ચના પૈસા માંગ્યા પાછા

પ્રેમિકાએ જબરદસ્તી પૈસા વસુલવાનો કેસ કર્યો તો મામલો પહોચ્યો હાઈકોર્ટ સુધી

પ્રેમીએ પ્રેમિકા પાસે ડેટિંગ પર કરેલ ખર્ચના પૈસા માંગ્યા પાછા
symbolic image

Mysamachar.in-મહેસાણા

આજના સમયમાં યુવકો યુવતી એકબીજાના પ્રેમમાં પડી ચાંદ અને તારાઓ તોડી લાવવાની વાતો કરતા હોય છે, અને લખલુંટ ખર્ચાઓ પણ કેટલાક કિસ્સાઓમાં થતા હોય છે, પણ જયારે પ્રેમ સબંધ તૂટી જાય અને મામલો પોલીસ સુધી જાય તો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે થોડો રસપ્રદ ચોક્કસથી છે, જેમાં પ્રેમ સંબંધ તૂટી ગયા બાદ યુવક- યુવતી કયારેય તેની પાછળ વાપરેલા પૈસા બાબતે ઝઘડાઓ કરતા હશે પરંતુ ડેટીંગ દરમ્યાન ખર્ચ કરેલા પૈસા કોઈએ પાછા માંગ્યા હોય એવી એક કિસ્સો સામે આવ્યો છે.

પોતાની એક સમયની પ્રેમિકા સાથે સંબંધ તુટી ગયા બાદ યુવકે ડેટિંગ પર ખર્ચ કરેલા પૈસા પાછા માંગવાના ચાલુ કર્યા હતા. પૈસા પાછા આપવાની પ્રેમિકાએ ના પાડી તો યુવક તેને અપશબ્દો કહેવા લાગ્યો હતો. પરેશાન થયેલી યુવતીએ યુવક સામે જબરજસ્તી પૈસા વસુલી કરવાનો કેસ નોંધાવ્યો હતો. યુવકે પોતાની સામેનો આ કેસ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે જેની આગામી દિવસોમાં સુનાવણી યોજાશે.

મહેસાણાના એક ગામના જ રહેવાસી 27 વર્ષના યુવક અને 21 વર્ષની યુવતીની સોશિયલ મીડિયા પર મુલાકાત થઈ હતી. બંને એક જ જ્ઞાતિના છે. બંને વચ્ચે રિલેશનશિપની શરૂઆત એપ્રિલ 2018માં થઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં બંનેના સંબંધનો અંત આવ્યો હતો. કોઈ ખાસ પ્રસંગે યુવકે પ્રેમિકાને તેની સાથે સામેલ થવાનો આગ્રહ કર્યો હતો. પ્રેમિકાએ પરીક્ષાની તારીખનું કહી તેની સાથે જવાની ના પાડી હતી. નારાજ થયેલા પ્રેમીએ તેના પર કટાક્ષ કર્યો હતો અને આ વાત બંનેના બ્રેકઅપનું કારણ બન્યું હતું. આ પછી યુવતીએ માર્ચમાં પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળજબરીથી પૈસાની વસુલીનો કેસ નોંધાવ્યો હતો.

ફરિયાદમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે બ્રેકઅપ પછી આરોપી યુવકે તેની પાસે 50 હજાર રૂપિયાની માંગ કરવાની શરૂ કરી દીધી હતી. યુવકે દાવો કર્યો હતો કે આ પૈસા યુવતી પાછળ હરવા ફરવામાં ખર્ચ કર્યા છે. યુવતી સ્ટુડન્ટ્સ હોવાના કારણે આવકનો કોઇ સ્ત્રોત ન હોવાની પોતાની અસમર્થતા બતાવતા પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો.

જેના થોડા દિવસો પછી તેને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો કે જો યુવતી તેના પૈસા નહીં આપે તો તેની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી દેશે. આ પછી યુવતીએ થોડા દિવસો સુધી પોતાનો ફોન બંધ રાખ્યો હતો. જોકે યુવક સુધર્યો ન હતો અને ફરી ફોન કરીને યુવતી પાસે 60 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પરેશાન થઈને યુવતીએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઈ યુવકે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને એફઆઇઆરને રદ કરવાની માંગણી કરી છે. હવે યુવકે પોતાની સામેનો આ કેસ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે જેની આગામી દિવસોમાં સુનાવણી થશે તેવું જાણવા મળે છે.