25 વર્ષ બાદ ભાણવડ નગરપાલિકા પર કોંગ્રેસને કબજો મળવા માટે આ બે વ્યક્તિઓની ભૂમિકા ચાવીરૂપ રહી 

આજે પ્રમુખ અને ઉપપ્રમુખ વરાયા 

25 વર્ષ બાદ ભાણવડ નગરપાલિકા પર કોંગ્રેસને કબજો મળવા માટે આ બે વ્યક્તિઓની ભૂમિકા ચાવીરૂપ રહી 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાની ભાણવડ નગરપાલિકા કબજે કરવા માટે ભાજપના નેતાઓ દ્વારા ખુબ વ્યૂહરચનાઓ ગોઠવવામાં આવી પરંતુ તે સફળ ના રહી અને ખંભાળિયા ભાણવડ મત વિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમ અને દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના મોટા કાલાવડ બેઠકના સભ્ય કે.ડી.કરમુર જે 24 કલાક અને 365 દિવસ સતત લોકો વચ્ચે કોઈપણ સ્થિતિમાં હાજર રહી અને પ્રશ્નોનું નિરાકરણ લાવીને જ ઝંપતા લોકપ્રિય આગેવાનની અથાગ જહેમત બાદ ભાણવડ નગરપાલિકા પર પંજાની પકડ એવી મજબુત બની છે અને હવે ખરા અર્થમાં આ વિસ્તારના કામોને પ્રાધાન્ય મળશે અને ભાણવડ શહેરની કાયાપલટ થશે તેમ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

ભાણવડ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં કમળને કચડીને કોંગ્રેસે 24 માંથી 16 બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવ્યો હતો,હાલારના જિલ્લાઓમાં સતત પ્રજા વચ્ચે રહીને સેવાકાર્યો તથા જનપ્રતિનિધિ તરીકે પ્રજાકીય કાર્યો કરી લોકોના હૃદયમાં સન્માનજનક સ્થાન પ્રસ્થાપિત કરનાર કાટકોલાના કે.ડી.કરમુરે સમગ્ર ચૂંટણીની જવાબદારી સંભાળી હતી અને કૉંગ્રેસને વિજય અપાવી તેવો ખરા અર્થમાં રાજકીય ચાણક્ય સાબિત થયા છે.ભાણવડ ન.પા.ના પરિણામોએ ભાજપની જિલ્લા-સ્થાનિક નેતાગીરીની નબળાઈ તો છતી કરી દીધી છે, પણ આ પરિણામોની પ્રદેશ નેતાગીરીને પણ નોંધ લેવી પડી છે. આ વિસ્તારમાં વિક્રમભાઈ અને કે.ડી.કરમુરની ટીમે કરેલી કમાલે ભાજપની નેતાગીરીને ચિંતામાં સાથે મોટું વિશ્લેષણના વિચારમાં મૂકી દીધા છે, તો કોંગ્રેસના મોવડીમંડળે પણ કોંગ્રેસના આ બન્ને નેતાઓના અભૂતપૂર્વ મહેનતની અને તેના કારણે ભાણવડ નગરપાલિકા કોંગ્રેસના કબજે થવાની સિદ્ધિની ખુબ બારીકાઇથી નોંધ લીધી હોવાનું પણ જાણવા મળે છે.

-આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં અભૂતપૂર્વ ખુશી જોવા મળી...

કોંગ્રેસને સતા મળ્યા બાદ આજે ભાણવડ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ જેમાં પ્રમુખપદે જિજ્ઞાબેન હિતેષભાઈ જોશી જયારે ઉપપ્રમુખ પદે ઉમરભાઈ સમાની વરણી થઇ છે.કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડી સતા હાંસલ કર્યા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી સમયે સતા કબજે કરવા માટે અથાગ જહેમત ઉઠાવનાર કોંગ્રેસના આ વિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમ અને કે.ડી.કરમુર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.અને નવા હોદેદારોને શુભકામનાઓ પાઠવી હતી.