દસ્તાવેજની એન્ટ્રીની નોંધ કરવા 50,000ની લાંચ લેતા અધિક નાયબ મામલતદાર એસીબીના સકંજામાં આવ્યો

90,000 માં થી 50,000 પર આવ્યો લાંચીયો બાબુ

દસ્તાવેજની એન્ટ્રીની નોંધ કરવા 50,000ની લાંચ લેતા અધિક નાયબ મામલતદાર એસીબીના સકંજામાં આવ્યો
symbolic image

Mysamachar.in-નડિયાદ

સરકાર પાસેથી તગડો પગાર લેવા છતાં સરકારી બાબુઓના પેટ નથી ભરાતા આવા જ વધુ એક સરકારી બાબુ એસીબીને ઝપટે ચઢી ગયા છે, ખેડા જીલ્લાના કઠલાલ મામલતદાર કચેરીમાં અધિક નાયબ મામલતદારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદી પાસે દસ્તાવેજની પાકી નોંધ પાડવા માટે નાયબ મામલતદાર દ્વારા રૂ. 50 હજારની લાંચ માંગવામાં આવી હતી. કઠલાલના જાગૃત નાગરીકે અંદાજિત 6 માસ પહેલા તાલુકાના લસુન્દ્રા મુકામે 6 સર્વે નંબરની સાડા પાંચ વિઘા જેટલી જમીન વેચાણ રાખી હતી. જે અલગ-અલગ સર્વે નંબરના 31 માર્ચ, 2021ના રોજ દસ્તાવેજ કઠલાલ મામલતદાર કચેરી ખાતે સબ રજીસ્ટાર કચેરી ખાતે કરાવ્યા હતા. જેથી તેની કાચી નોંધ ઈ-ધરામાં પડી ગઈ હતી.

આ દસ્તાવેજોની પાકી નોંધ પાડવા માટે અધિક નાયબ મામલતદાર હબીબભાઈ સબુરભઆઈ મલેક દ્વારા ફરીયાદીને ફોન કરી એક દસ્તાવેજની એન્ટ્રીના 15,000 લેખે 6 દસ્તાવેજના 90,000 રૂપિયા માંગ્યા હતા. જેમાં રકઝકના અંતે 50,000 રૂપિયા નક્કી થયા હતા. આ નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી એ.સી.બી.એ ફરિયાદના આધારે છટકુ ગોઠવી 50,000ની લાંચની માંગણી માટેની વાતચીત કરી પોતે પૈસા માંગતા હોવાનું સ્વીકારતા એ.સી.બી.એ ઝડપી પાડ્યા હતા.