Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લા પંચાયતમાં આમ તો અધિકારીઓ અને કર્મચારીઓની મોટી ઘટ છે, એવામાં તે નિયમીત આવે છે કે કેમ? તે અંગે બાયો મેટ્રીક મશીન લગાડવામાં આવ્યુ છે. જેમાં અંગુઠો મારીને હાજરી પુરવાની હોય છે. પરંતુ આ મશીન માત્ર શોભાના ગાઠીયા સમાન હોય, ગુટલીબાજ કર્મચારીઓ નિયમીત હાજરીની ઐસીતૈસી કરીને કામ ચોરી કરતા હોવાનું સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. (હાલ કોરોના સંક્રમણને કારણે છેલ્લા કેટલાક સમયથી આ મશીન બંધ હોવાથી આવા કર્મચારીઓને વધુ બખા પડી ગયા છે)
સરકારી નોકરી હોવાથી પોતાની ઘરની ધોરાજી ચલાવીને સમયસર નોકરી પર ન આવીને ઘણા કર્મચારીઓ ખાનગીમાં ધંધો કરવાથી માંડીને સાઇડ બિઝનેશ કરી સરકાર સાથે ઠગાઇ કરતા હોવાની ચર્ચા વચ્ચે જિલ્લા પંચાયતનો વહિવટ અમુક ગુટલીબાજ કર્મચારીઓના કારણે ખોરંભે ચડી ગયો હોવાનું બહાર આવ્યું છે.(હા બધા એવા ના હોય અમુક તો કામના કલાકો બાદ પણ પોતાનું કામ પૂર્ણ કરીને જ ઘરે જાય છે તેવા પ્રમાણિક કર્મચારીઓ પણ છે) વધુમાં જિલ્લા પંચાયતના મહેકમ વિભાગ દ્વારા આ બાયોમેટ્રીક મશીન ચાલુ હતું (હાલમાં નથી) ત્યારે તેના મારફત જે-તે શાખા અધિકારીઓને દર માસે અહેવાલ મોકલીને પગલા ભરવાની ભલામણ કરવામાં આવતી પરંતુ ત્યારબાદ શાખા અધિકારી દ્વારા કર્મચારી વિરૂધ્ધ કોઇ પગલા ન ભરવાના કારણે મોટા ભાગના કર્મચારીઓ છટકી જતા હોવાનું બહાર આવ્યું છે,
આમ જિલ્લા પંચાયતમાં અપુરતા સ્ટાફ વચ્ચે વારંવાર ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરીને કર્મચારીઓની ભરતી કરવાની માંગણી કરવામાં આવે છે પરંતુ નિયમીત કર્મચારીઓ પણ પોતાની ફરજનું ભાન ભુલીને ગુટલી મારી રહ્યા છે. ત્યારે ડી.ડી.ઓ. ડો.વિપિન ગર્ગ શિસ્તપાલનના આગ્રહી છે, ત્યારે તેવોએ ઘ્યાન આપીને આવા ગુટલીબાજ કર્મચારીઓને નિયમીત કરવા બોધપાઠ આપે તેવી માંગણી ઉઠી છે. હદ તો ત્યારે થઇ કહેવાય કે સુત્રોમાંથી જે રીતે જાણવા મળે છે તે પ્રમાણે બાંધકામ વિભાગના એક વર્ક આસીસ્ટન્ટ તો અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા હોય છેલ્લા કેટલાય સમયથી ઘરે બેઠા-બેઠા જલસાથી બીજું કામ પણ કરે છે સરકારનો પગાર લેતા હોવાની સ્ફોટક વિગતો સામે આવી છે. જો કે તે મામલો તપાસ માંગી લેતો છે.