Mysamachar.in-ગુજરાત
ગુજરાતમાં ભલે સરકાર મોટા મોટા બણગાઓ ફૂંકે પણ આ બણગાઓમાં કેટલો દમ છે તે એક રીપોર્ટ પરથી સામે આવ્યું છે, નેશનલ હાઈવે સહિતના તમામ માર્ગો પર ખાડાઓને કારણે ગુજરાતમાં વર્ષ 2017થી 2019માં કુલ 558 અકસ્માત થયા છે, જે પૈકી 234 લોકોનાં કરૃણ મોત થયાં હતા આ ઉપરાંત 548 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ખાડાઓના કારણે સૌથી વધુ અકસ્માત અને મોત વર્ષ 2017માં થયાં હતા, આ અરસામાં કુલ 552 અકસ્માતની ઘટના નોંધાઈ હતી, જેમાં 228 લોકોના મોત થયા છે. તો 545 લોકોને ઈજા પહોંચી હતી.
જો કે બાદમાં અચાનક મોટો ફેરફાર આવ્યો હોય તેમ ખાડાઓ રિપેર થતાં અકસ્માતોની વણઝાર જાણે એકદમ ઓછી થઈ હોય તેમ વર્ષ 2018માં ખાડાઓના કારણે એક અકસ્માતમાં એકનું મોત થયું હતું. એ પછીના વર્ષ 2019માં પાંચ અકસ્માત થયા હતા, જેમાં પાંચના મોત અને એક વ્યક્તિને ઈજા થઈ હતી. પોલીસ વિભાગ પાસેથી જે અકસ્માતોના કેસમાં માહિતી સામે આવી તેના આધારે કેન્દ્ર સરકારને આ માહિતી મળી હતી. માર્ગ પરિવહન મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં નેશનલ હાઈવેની જાળવણી માટે ત્રણ વર્ષના ગાળામાં કુલ 366.81 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જોકે તેમાંથી 270 કરોડનો ખર્ચ કરાયો હતો જ્યારે 96.11 કરોડ જેટલી રકમ વણવપરાયેલી રહી હતી.