નાલા પાસે અકસ્માતે કાર કેનાલમાં ખાબકી: પત્નીનો મૃતદેહ સાંપડ્યો, પતિની શોધખોળ ચાલુ

મોરબી નજીકની ઘટના 

 નાલા પાસે અકસ્માતે કાર કેનાલમાં ખાબકી: પત્નીનો મૃતદેહ સાંપડ્યો, પતિની શોધખોળ ચાલુ

Mysamachar.in:મોરબી

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના જુના અને નવા ઘાટીલા વચ્ચે આવેલ મંદરકીના નાલા પાસે આજે વહેલી સવારે કાર કેનાલમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર મહિલાનો કેનાલમાંથી મૃતદેહ સાંપડ્યો છે જ્યારે પતિની ભાળ ન મળતા તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામા આવી છે.બનાવની જાણવા મળતી વિગત અનુસાર હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ ડાંગર અને તેમના પત્ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે સવારના અજીતગઢ ગામેથી માળીયા તરફ કાર લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન જુના અને નવા ઘાટીલા પાસેથી મંદરકી ગામના નાલા પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં શોધખોળ હાથ ધરતા કેનાલમાંથી મિતલબેનનો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે રાહુલભાઈનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામા આવી રહી છે.

બનાવની જાણ થતા ટીકર જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં લોકો કેનાલ કાઠે દોડી આવ્યા હતા.સુત્રોના જણાવ્યા અનુસાર બંને જણા ગાડીના કાચ તોડીને બહાર નીકળી જઇને બોનેટ પર પણ ચઢી ગયા હતા. ઉપરાંત એક ભાઇએ એમને બચાવવા માટે કેનાલમાં રાંઢવુ પણ નાખ્યું હતુ અને આ નવ દંપતિએ રાંઢવુ પકડી પણ લીધુ હતુ. પણ દુર્ભાગ્યવશ તેઓ બચી શક્યા નહોતા