Mysamachar.in-ખેડા:
હાઈવે પર વધી રહેલ અકસ્માતોની ઘટનામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે પણ સદનસીબે કોઈ મોટી જાનહાની આ અકસ્માતમાં થઇ નથી, ખેડા જિલ્લાના નડિયાદ નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નં.8 પર પોલીસની સુમો વાનને અકસ્માત નડ્યો છે. આગળ જઈ રહેલ આઈસર ટ્રક પાછળ પોલીસની વાન ઘૂસી જતાં ચાર વ્યક્તિઓને ઈજા થઈ છે. સુરેન્દ્રનગરની પોલીસ આરોપીને લઈને નવસારી જતી વેળાએ અકસ્માત નડ્યો છે.
નડિયાદ નજીક નેશનલ હાઈવે નં. 8 પર પીજ ચોકડીના બ્રીજ ઉતરતા રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગુરુવારની બપોરે અકસ્માત સર્જાયો છે. આગળ જઈ રહેલ ટ્રાન્સપોર્ટની આઈસર ટ્રક નં. GJ 05 BY 9520 પાછળ પોલીસની સુમો વાન નં. GJ 13 GG 402 ઘૂસી ગઈ હતી. જેના કારણે આ પોલીસ વાહનને આગળના ભાગને નુકશાન થયું છે. આ પોલીસસુમો સુરેન્દ્રનગરનો હોવાનું સામે આવ્યું છે અને એક આરોપીને લઈને નવસારી મુકવા જતાં હતાં તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક આરોપી સહિત ચાર વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નડિયાદ પશ્ચિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.