2 કાર સામસામી અથડાઈ અને 5 ના થયા મોત

ઈજાગ્રસ્તો પૈકી ૩ લોકોની હાલત હજુ પણ ગંભીર

2 કાર સામસામી અથડાઈ અને 5 ના થયા મોત

Mysamachar.in-નડિયાદ

રાજ્યમાં ગતરાત્રીના એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 5 લોકોની જિંદગીનો ભોગ લેવાયો છે, જાણવા મળી રહેલી વિગતો મુજબ ગતરાત્રીના 9 વાગ્યાના સુમારે અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતાં. બે કાર સામ સામે અથડાઈ જતા પાંચના મોત થયા છે જયારે 5 ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે નંબર 8 પર નડિયાદ અને ખેડા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નડિયાદના પીજ ચોકડી પાસે નડીયાદથી અમદાવાદ તરફના રસ્તા પર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં મૃત પામેલાઓમાં બે મહિલા, બે બાળકો અને એક પુરૂષનો સમાવેશ થાય છે.

નડિયાદથી અમદાવાદ જઈ રહેલી એક લક્ઝુરિયસ કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે આ અકસ્માત સર્જાય હતો. અકસ્માતગ્રસ્ત બંને કારમાંથી મળીને કુલ 5 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતાં. આ અકસ્માતનો ભોગ બનેલા બંને વાહનો અમદાવાદ પાસિંગના છે. ઘટનાની જાણ થતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને અન્ય સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં સામ સામે અથડાયેલા બંને વાહનો નો કડુસલો બોલી જવા પામ્યો હતો, આ અકસ્માતમાં ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી.