દારૂનો કેસ ના કરવા માંગ્યા 30,000 પણ એસીબીએ ખેલ ઉંધો પાડી દીધો 

ઝડતી સહિતની કાર્યવાહી શરુ કરાઈ 

દારૂનો કેસ ના કરવા માંગ્યા 30,000 પણ એસીબીએ ખેલ ઉંધો પાડી દીધો 

Mysamachar.in-રાજકોટ:

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, બધાને ખબર છે, છતાં પણ બુટલેગરો ફૂલતા ફાલતા જાય છે, અને તેમાં કયાંક કોઈ વખત પોલીસની મીઠી નજર પણ હોય છે, એવામાં હોળીને દિવસે જ લાંચની રકમ સ્વીકારનાર એક પોલીસકર્મી અને વચેટીયો ઝડપાઈ ગયા છે, જયારે અન્ય એક પોલીસકર્મી ની શોધખોળ હાથ ધરાઈ છે, રાજકોટ શહેર પોલીસના બે કોન્સ્ટેબલે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, પરંતુ કેસ નહીં કરવા બદલ 30 હજારની લાંચ માગી હતી. લાંચની રકમ લેવા ગયેલા એક પોલીસમેન અને તેના પરિચિતે રૂ.30 હજારની લાંચ લેતા જ એસીબીના સ્ટાફે તેને રંગેહાથ ઝડપી લીધા હતા. નાસી છૂટેલા એક કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

તાલુકા પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં ચંદ્રરાજસિંહ જયદેવસિંહ રાણા અને રાજવીરસિંહ નાથુભા જાડેજાએ એક બૂટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો, દારૂનો જથ્થો પકડાતા જ બંને કોન્સ્ટેબલે કેસ નહીં કરવા અને ધરપકડ નહી કરવા બદલ રૂ.30 હજારની લાંચ માગી હતી, અને સોમવારે સાંજે લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું. બંને પોલીસમેને લાંચ માગતાં દારૂ સાથે ઝડપાયેલા શખ્સે આ અંગે રાજકોટ એ.સી.બી.ને જાણ કરી હતી, અને એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

નક્કી થયા મુજબ દારૂ સાથે ઝડપાયેલો શખ્સ લાંચની રકમ આપવા વાવડી નજીક નંદનવન સોસાયટી પાસેના સરદાર ચોકમાં ઉમિયા પાન પાસે ગયો હતો અને તે સાથે જ કોન્સ્ટેબલ ચંદ્રરાજસિંહ રાણા તથા તેનો સંબંધી પુષ્પરાજસિંહ મહાવીરસિંહ જાડેજા ત્યાં પહોંચ્યા હતા અને 30 હજારની લાંચની રકમ સ્વીકારી હતી, લાંચની રકમ હાથમાં લીધી તે સાથે જ અગાઉથી છુપાઇને બેઠેલી એસીબીની ટીમ દોડી ગઇ હતી અને કોન્સ્ટેબલ ચંદ્રરાજસિંહ તથા તેના પરિચિત પુષ્પરાજસિંહને ઝડપી લીધા હતા, લાંચ માગનાર અન્ય કોન્સ્ટેબલ રાજવીરસિંહ ત્યાં હાજર ન હતો અને ઘટનાની જાણ થતાં ભાગી ગયો હતો. આથી એસીબીએ શોધખોળ હાથ ધરી અને ઝડતી સહિતની કાર્યવાહી કરી રહી છે.