જામનગર-દ્વારકામાં GIDC પ્લોટસનાં વેચાણ વિષે, આ જાણો.....

જામનગરમાં કોમર્શિયલ-દ્વારકામાં ઈન્ડસ્ટ્રીયલ અને કાલાવડમાં MSME-કોમર્શિયલ પ્લોટસનું વેચાણ

જામનગર-દ્વારકામાં GIDC પ્લોટસનાં વેચાણ વિષે, આ જાણો.....
file image

Mysamachar.in:જામનગર:

ગુજરાત જીઆઇડીસી દ્વારા જામનગર તથા દ્વારકા જિલ્લામાં વિવિધ કેટેગરીના પ્લોટનું વેચાણ હાથ ધરવામાં આવ્યું છે. આ માટે ઈ-ઓકશન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગર જીઆઈડીસી સત્તાવાળાઓએ જાહેર કર્યું છે કે, જામનગરનાં ઉદ્યોગનગર-2 અને ઉદ્યોગનગર-3માં 4-4 કોમર્શિયલ પ્લોટનું વેચાણ હાથ ધરવામાં આવ્યું છે. આ આઠેય પ્લોટ 181 ચોરસમીટરથી માંડીને 4800 ચો.મી. સુધીનું ક્ષેત્રફળ ધરાવે છે. જેમાં નાનામાં નાનો પ્લોટ 18.15 લાખ આસપાસનો અને મોટામાં મોટો પ્લોટ 7.27 કરોડ આસપાસની બેઝ પ્રાઈસ ધરાવતો હોવાનું જાણવા મળે છે.

આ ઓકશન આગામી ગુરૂવારથી(29 ડિસેમ્બરથી) શરૂ થશે. 12 જાન્યુઆરી છેલ્લો દિવસ છે. આ ઓકશનમાં કાલાવડ જીઆઇડીસી અને આરંભડા જીઆઇડીસી પણ છે. આરંભડામાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટનું અને કાલાવડમાં કોમર્શિયલ(MSME) તથા કોમર્શિયલ પ્લોટનું વેચાણ થશે. બંને જિલ્લામાં 18 જાન્યુઆરીએ ઈ-ઓકશન થશે. કોમર્શિયલ પ્લોટની ફાઈનલ બોલી પર 18 ટકા GST અલગથી વસૂલવામાં આવશે એમ જીઆઇડીસી સત્તાવાળાઓએ જણાવ્યું છે.

-વેચાણ પારદર્શિતા સાથે થાય એવી ઉદ્યોગકારોની અપેક્ષાઓ

અત્રે નોંધનીય છે કે, ફિઝિકલ હરાજીની સરખામણીમાં ઓનલાઇન હરાજી સારી બાબત છે પરંતુ ઓનલાઇન હરાજીમાં આઘુંપાછું ન થાય, એમ ન માની લેવું ! ભૂતકાળમાં જામનગર તથા કાલાવડમાં કુંડાળા થયા હોવાનું સૌ જાણે છે. અને, કાલાવડમાં તો એક વખત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય એક વખત જીઆઇડીસીનું અન્ય મહાનુભાવના હસ્તે ઉદઘાટન થયાં પછી પણ આ ઉદ્યોગનગર ધમધમતું થયું નથી ! એ પણ અત્રે ઉલ્લેખનીય છે.કાલાવડ જીઆઈડીસી તો વર્ષોથી ભંગારવાડા જેવી બનીને તૈયાર પણ બિન ઉપયોગી પડી છે.તેમાં કોઈ પ્લોટ લેશે કે કેમ તે પણ સવાલ છે.