રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક વધારો, કારે અડફેટ લેતા 2 ના મોત

પિતરાઈ ભાઈ બહેનના મોતથી પરિવારમાં શોકનો માહોલ

રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક વધારો, કારે અડફેટ લેતા 2 ના મોત

Mysamachar.in-પોરબંદર

રાજ્યમાં વધી રહેલ અકસ્માતોની ઘટના ચિંતાજનક બની રહી છે, તેમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બની રહેલ અકસ્માતોની ઘટનામાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, હજુ તો ગઇકાલે જ અમરેલીના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માતમાં ટ્રકડ્રાઇવરની એક ભૂલે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે વધુ એક ગોજારી ઘટના પોરબંદર નજીકના દેગામ ગામ પાસે બની છે, જેમાં દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે એક કિશોરી પોતાના પિતરાઈ ભાઈને લઈને શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જઈ રહી હતી ત્યારે ઇનોવા કારે ટક્કર મારી બન્ને નિર્દોષ ના જીવ ગયા છે.

આજે સવારે આરતી રમેશભાઈ ગોહેલ નામની 14 વર્ષની કિશોરી પોતાના ત્રણ વર્ષના પિતરાઈ ભાઈ મીત નિલેશભાઇ ગોહેલને લઇ શેરી શિક્ષણમાં અભ્યાસ માટે જતી હતી, એવા સમયે રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ઇનોવા કાર નં. GJ-01-HS-0188 એ અડફેટે લેતાં ઘટનાસ્થળે જ બંને બાળકોનાં મોત નીપજ્યાં હતાં. આ ગોજારી ઘટના બનતાં જ ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જનાર કાર પૂરઝડપે આવી હતી અને બન્ને બાળકોને અડફેટે લીધાં હતા. અડફેટ લીધા બાદ કાર એક ખેતરની દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. જોકે કારચાલક અકસ્માત બાદ ત્યાંથી ભાગી ગયો હોવાનું પણ જાણવા મળે છે.