પડધરી નજીકથી સળગેલ હાલતમાં મહિલાની લાશ, હોટલ મેનેજર હત્યારો નીકળ્યો 

રાજકોટની હોટલના મેનેજરે મહિલાની હત્યા કરી ત્રણ દિવસ લાશ ઘરમાં રાખી

પડધરી નજીકથી સળગેલ હાલતમાં મહિલાની લાશ, હોટલ મેનેજર હત્યારો નીકળ્યો 
file image

Mysamachar.in-રાજકોટ:

રાજકોટના જીલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામ પાસે વાડી વિસ્તારમાં ગત તારીખ 9 ઓક્ટોબરના રોજ મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગેની જાણ પોલીસને થતા પડધરી પોલીસ મથકનો સ્ટાફે સ્થળ પર જઈ લાશનો કબજો મેળવી અને પોસ્ટમોર્ટમ એફએસએલ સહિતની કાર્યવાહી કરી હતી, સળગેલ હાલતમાં મળી આવેલ લાશ મહિલાની હોવાનું સામે આવતા પડધરી પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબી તથા એસઓજીની ટીમે તપાસમાં લાગી હતી અને અંતે આ યુવતીની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પોલીસે આ પ્રકરણમાં રાજકોટની પાર્ક ઇન હોટલના મેનેજરની ધરપકડ કરી છે. તે અમદાવાદની મહિલા સાથે પતિની જેમ રહેતો હોય બંને વચ્ચે ઝઘડો થતાં ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશ ત્રણ દિવસ સુધી ઘરમાં રાખી હતી અને બાદમાં ખામટા પાસે લાશ ફેંકી દઇ સળગાવી દીધી હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.લાશ મળી આવ્યા બાદ પ્રાથમિક દ્રષ્ટ્રિએ બે થી ત્રણ દિવસ પૂર્વે મહિલાની હત્યા કર્યા બાદ લાશ સળગાવી દેવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ પ્રથમ મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે જે માટે પોલીસ દ્રારા આસપાસના વિસ્તારો તેમજ રાજકોટ જિલ્લામાં અને અન્ય જિલ્લામાં ગુમ થયેલી મહિલાઓની યાદી ચકાસવામાં આવી રહી હતી.

પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલા ટાયરના નિશાન ઉપરથી સીસીટીવી ફૂટેજ  ચેક કરતા આ કારના નંબર GJ-3-KH-3767 હોવાનું જાણવા મળ્યું હતું અને બાદમાં તેના માલિકની ખરાઈ કરતા તેનું નામ મેહુલ  ચોટલીયા (રહે. રાજકોટ) હોવાનું માલુમ પડું હતું બાદમાં પોલીસે મેહુલ ચોટલીયાને પૂછતાછ કરતા હત્યાના આ બનાવવાનો ભેદ ઉકેલાઇ ગયો હતો.પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મેહુલ મૂળ જોડિયાના બાલંભા ગામનો વતની છે અને હાલ તે રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહે છે અને રાજકોટમાં આવેલી પાર્ક ઇન હોટલમાં મેનેજર તરીકે નોકરી કરે છે તેને પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હોય દોઢ બે વર્ષ પહેલા તે અલ્પા ઉર્ફે આયશા મકવાણા (રહે. અમદાવાદ) સાથે ઇમોરલ ટ્રાફિક ધંધા બાબતે સંપર્કમાં આવ્યા હતા બાદમાં બંને વચ્ચે મિત્રતા થતાં તે તેની સાથે પત્નીની જેમ રહેવા લાગી હતી.

થોડા દિવસોથી બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો દરમિયાન લાશ મળી આવવાના ત્રણ દિવસ પહેલા અલ્પાએ મેહુકને બે ફડાકા મારી દેતા મેહુલે ઉશ્કેરાઈ અલ્પાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ ત્રણ દિવસ સુધી લાશ પોતાના જ ઘરમાં રાખી હતી બાદમાં તારીખ 8 ના રોજ લાશને ટ્રોલી બેગમાં ભરી પોતાની કારમાં જામનગર હાઇવે પર ખામટા નજીક સીમમાં અવ્વારું જગ્યાએ નાખી દઈ તેના પર લાકડા મૂકી પેટ્રોલ છાંટી સળગાવી દીધી હોવાની કબુલાત પરથી પોલીસે મેહુલની વિધિવત ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.