આફતની આંધી પણ જાનહાનિ નહીં, કચ્છ છોડી રહ્યું છે વાવાઝોડું.....

આજે આખો દિવસ ઉત્તર ગુજરાત તથા દક્ષિણ રાજસ્થાનમાં જોવા મળશે અસરો

આફતની આંધી પણ જાનહાનિ નહીં, કચ્છ છોડી રહ્યું છે વાવાઝોડું.....
File image

Mysamachar.in:કચ્છ

બિપરજોય વાવાઝોડાંને લઈને છેલ્લાં ઘણાં દિવસોથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં લાખો લોકોની ઉંઘ હરામ થઈ ગઈ હતી. આખરે કાલે ગુરુવારે રાત્રે 10/30 થી 11/30 વાગ્યા દરમિયાન આ વાવાઝોડાએ કચ્છનાં જખૌ બંદરથી ઉતરે લેન્ડફોલ કર્યું. આફતની આંધી આખરે ફૂંકાઈ પરંતુ જાનહાનિ થઈ ન હોય, સૌનાં શ્વાસ નીચે બેઠાં છે. ભારતીય હવામાન વિભાગે આજે સવારે 09/30 કલાકે જાહેર કર્યું છે કે, કચ્છમાં લેન્ડ ફોલ બાદ હવે વાવાઝોડું ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે અને ધીમે ધીમે વિખેરાઈ રહ્યું છે. જો કે તેની અસરોરૂપે આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવનો ફૂંકાશે અને જોરદાર વરસાદ વરસી શકે છે. સવારે સાડા નવ વાગ્યાની સ્થિતિએ વાવાઝોડું કચ્છને છોડી ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌથી ઉતરે 70 કિમી અને નલિયાથી 50 કિમી દૂર નીકળી ગયું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે અને આવતીકાલે બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાંની, પાછલી અસરો દેખાશે. વરસાદ અને પવનની સ્થિતિ રહેશે. આજે સાંજે અથવા આવતીકાલે ડિપ્રેશન સર્જાઈ શકે છે. કાલે રાત્રે વાવાઝોડાને કારણે કચ્છ તથા સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકા સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર તબાહી મચી છે. ઠેરઠેર વૃક્ષો અને વીજપોલનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. વીજતંત્રને ઘણું નુકસાન થયું છે. જો કે આ વાવાઝોડામાં જાનહાનિ થઈ ન હોય, સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

હવામાન વિભાગે એમ પણ કહ્યું કે, આ વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યનાં ચોમાસાને આગળ વધવામાં સપોર્ટ કરશે. આગામી 18 થી 21 જૂન દરમિયાન દક્ષિણ તથા પૂર્વ ભારતમાં ઠેરઠેર નિયમિત ચોમાસાનાં રૂપમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસી રહેલો વરસાદ નિયમિત ચોમાસાનો નથી. આ વરસાદ સાયક્લોનિક અસરોને કારણે વરસી રહેલો વરસાદ છે. આજે બપોરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ વરસી શકે છે. આજે બપોર બાદ, સાંજે તથા રાત્રે ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે અને જોરદાર પવનો ફૂંકાવાની પણ સંભાવનાઓ તથા આગાહી છે. ત્યારબાદ આ વાવાઝોડાંની અસરો મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાનમાં અને દિલ્હીમાં જોવા મળી શકે છે.