રેગિંગ વિરુદ્ધ અલગ કાયદો બનાવવાની ભલામણ થઈ

અલગ-ચોકકસ કાયદો ન હોવાને કારણે બદી ફૂલીફાલી રહી હોવાનો મત

રેગિંગ વિરુદ્ધ અલગ કાયદો બનાવવાની ભલામણ થઈ
Symbolice image

Mysamachar.in:અમદાવાદ

મેડિકલ કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટલોમાં રેગિંગ (માનસિક, શારીરિક અને આર્થિક ત્રાસ તથા દાદાગીરી)નો રોગ જૂનો છે. રેગિંગના બનાવો જાહેર ઓછાં થાય છે, ખાનગીમાં આવા પુષ્કળ બનાવો બનતાં રહેતાં હોય છે. જેમાં પુરૂષો ઉપરાંત મહિલાઓનું જાતીય સહિતનું શોષણ થતું રહેતું હોય છે ! ઉચ્ચ શિક્ષણમાં PhD માં પણ આવા ક્રાઈમ થતાં રહેતાં હોય છે, જો કે તેમાં મજબૂરીવશ સહમતીઓને કારણે ફરિયાદો થતી હોતી નથી. બઢતી અને બદલીઓમાં પણ આ 'વ્યવહારો' થતાં હોય છે, જે એક પ્રકારનું રેગિંગ જ હોય છે !

સમગ્ર રાજયમાં રેગિંગની બદી ફૂલીફાલી હોવાનો મત ખુદ કોર્ટમિત્રએ વ્યક્ત કર્યો છે. કારણ કે, ખુદ હાઈકોર્ટ દ્વારા રેગિંગ મુદ્દે સુઓમોટો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે દર્શાવે છે કે, સરકાર સ્તરે રેગિંગ બાબતે અસરકારક કામગીરીઓ થતી નથી. શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલોમાં એન્ટી રેગિંગ કમિટીઓ હોય છે પરંતુ તેઓ આવા કિસ્સાઓમાં ખાસ કશું ઉકાળતા નથી. અને રેગિંગ કેસોમાં IPC હેઠળ થતી કાર્યવાહીઓ પણ ખાસ અસરકારક ન હોય કોર્ટમિત્રએ ભલામણ કરી છે કે ખાસ અને અલગથી એન્ટી રેગિંગ કાયદાની આવશ્યકતા છે.

અન્ય રાજયોમાં રેગિંગ સંબંધે અલગ અને કડક કાયદાઓ છે જ. ગુજરાતમાં પણ અલગ કાયદો બનાવવા એમિકસ કયૂરી (કોર્ટ મિત્ર) અમિત પંચાલએ મત વ્યક્ત કર્યો છે. તેઓ કહે છે: અલગ કાયદો ન હોવાથી આ બદી ફૂલીફાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં કિસ્સાઓમાં રેગિંગનો ભોગ બનનાર છાત્ર કે છાત્રા આપઘાત પણ કરી લ્યે છે ! આથી વડી અદાલત દ્વારા સુઓમોટો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં વડોદરાનો એક છાત્રનો કેસ મીડિયામાં આકરી રીતે ગાજયો હતો. ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા આ મામલો હાથ ધરવામાં આવ્યો છે.

કોર્ટમિત્રએ કહ્યું: રેગિંગને અંકુશમાં લેવા અને આ મુદ્દે રાજયને મોડલ સ્ટેટ બનાવવા નીતિવિષયક નિર્ણયો પણ લેવા જોઈએ. આગામી દિવસોમાં સરકાર સ્તરે રેગિંગ મામલે નવી હિલચાલ શરૂ થવાની સંભાવનાઓ ઉભી થઈ છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને મેડિકલ તથા ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ આપતી સંસ્થાઓમાં રેગિંગનું દૂષણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, જેને કારણે વાલીઓ તથા છાત્રો અને છાત્રાઓ સતત ચિંતિત રહેતાં હોય છે.