સેલ્સટેક્સના ઇન્સ્પેકટરોની કારની તલાશી લેતા મળી 6 લાખથી વધુની રોકડ

ACB એ જરૂરી કાર્યવાહી હાથ ધરી

સેલ્સટેક્સના ઇન્સ્પેકટરોની કારની તલાશી લેતા મળી 6 લાખથી વધુની રોકડ

Mysamachar.in-અરવલ્લી

અરવલ્લી એસીબીએ શામળાજી પાસે ટ્રકચાલકો પાસેથી સેલટેક્સ વિભાગના ઇન્સ્પેકટરો રૂપિયા ખંખેરતા હોવાની બાતમી આધારે કરેલી રેડમાં કારમાંથી રૂ.6.51 લાખ બિનહિસાબી મળી આવ્યા હતા. આથી વેરા નિરીક્ષક વિભાગના ચાર ઇન્સ્પેકટરોની અટકાયત કરી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. હિંમતનગર-શામળાજી હાઈવે પર દિલ્હી-મુંબઈ માલવહન કરતી ટ્રકોના ચાલકોને સેલટેક્સના વર્ગ-3 ના નિરીક્ષકો દ્વારા કનડગત કરાતી હોવાની અને રૂપિયા ખંખેરતા હોવાની બૂમ ઉઠતાં એસીબીની ટીમે શુક્રવારે વહેલી સવારથી જ હાઈવે પર ધામા નાખ્યા હતા.

અધિકારીઓની કાર (GJ 18 BH 1998)ની તલાશી લેતાં અંદરથી રોકડ રકમ રૂ. 6.51 લાખ બિનહિસાબી મળી આવતાં એસીબીએ વેરા નિરીક્ષક વિભાગના 4 ઇન્સ્પેક્ટરો પ્રજાપતિ મહેન્દ્રકુમાર મનજીભાઈ, શિવાનંદ કેશવલાલ જાદવ, હાર્દિક દિલીપભાઈ લાંબા, રોહિતકુમાર ગુણવંતલાલ ત્રિવેદીની અટકાયત કરી જિલ્લાની એસીબીની વડી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પૂછપરછ દરમિયાન તેઓ આટલી મોટી બિનહિસાબી રકમ ક્યાંથી આવી આ અંગે જરૂરી પુરાવા રજૂ ન કરતાં તેમની સામે એસીબીએ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.