Mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાય સમયથી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણનો ધંધો ફૂલ્યોફાલ્યો છે, અને જામનગર સહિત ગુજરાતમા બાયોડીઝલના નામે ગેરકાયદેસર ઇંધણ વેંચાય છે તો વળી આ ધીકતી કમાણીના ધંધામા જામનગર જિલ્લાના એક ફોજદારે પણ પાછલા બારણેથી ઝંપલાવ્યું હોવાનું સુત્રો જણાવે છે, અને તેના નજીકના એક સગાને જામનગરના લાલપુર બાયપાસ નજીક બાયોડીઝલનો પંપ ચલાવવા ફોજદારે માથે હાથ મૂકી દેતા હવે ત્યાં વાહનોની લાઈનો લાગવા લાગી છે, કારણ કે ફોજદારનો પંપ છે તેમ કહેવામાં આવે છે એટલે આવનારને હૈયે ધરપત રહે… જામનગર જીલ્લામાં ઠેર-ઠેર બાયો ડીઝલપંપના રાફડા ફાટી નીકળ્યા છે અને સસ્તા ભાવે ગુણવતા વગરનું ડીઝલ વેચવાનું કારસ્તાન ચાલે જ છે અને બેરોકટોક અને કોઈની બીક વગર ચાલે છે,
આ આવા ચાલી રહેલા તેવા બાયો ડીઝલના પંપમાં કેટલાય મોટા માથાઓએ પણ ઝંપલાવ્યું છે, અને એકના અનેક કરે છે કેમકે રોકાણ બહુ નથી લાયસન્સની માથાકુટ નથી માટે જિલ્લામા અત્યાર સુધી 10 થી વધુ આવા પંપ ધમધમે છે જે ગેરકાયદેસર ડીઝલ વેંચતા હોવાનુ સુત્રો કહે છે તેમાંય વધુ જાણવા મળતી વિગત મુજબ જિલ્લાના એક ફોજદારના ચાર હાથ હેઠળ તેના નજીકના સગા દ્વારા જામનગર પાસે આવુ ગેરકાયદેસર ડીઝલ વેચવાનુ કારસ્તાન ચલાવવામાં આવી રહ્યાનું સુત્રો જણાવે છે, જો કે હવે ખરેખર આમાં ફોજદાર પાછલા બારણેથી ખિસ્સા ભરે છે કે કેમ તે તો તપાસનો વિષય છે આટલી માહિતી જે માયસમાચાર સુધી પહોચી તે અહી મુકવામાં આવી છે. સુત્રો દ્વારા મળેલી માહિતીની વધુ ખરાઈ ચાલી રહી છે.