ઓનલાઈન મિત્રતા કરી યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પછી એવી સરપ્રાઈઝ આપી કે....

યુવતીઓ સોશિયલ મીડિયા પર ગમે તેની રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા ચેતે

ઓનલાઈન મિત્રતા કરી યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પછી એવી સરપ્રાઈઝ આપી કે....
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

સોશિયલ મીડિયાના આ હાઈટેક યુગમાં રૂબરૂ નથી મળતા એ બધા હવે ઓનલાઈન મળવા લાગ્યા છે. પણ જે યુવક-યુવતીઓ ગમે તેની રીક્વેસ્ટ સ્વીકારી લે છે એના માટે લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવીને કેટલાક ભેજાબાજો પોતાનું કામ કઢાવી લેતા હોય છે. ખાસ કરીને યુવતીઓને માયાજાળમાં ભોળવીને આખરે પૈસા ખંખેરવાનો ધંધો શરૂ થાય છે.

અમદાવાદ શહેરમાં એક યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી, લગ્નનો પ્રસ્તાવ મૂકીને એક સરપ્રાઈઝ આપવાના બહાને ભેજાબાજે રૂ.2.4 લાખ ખંખેરી લીધા છે. જે અંગે પોલીસ તપાસ શરૂ થઈ છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી 34 વર્ષની મહિલાએ અરજી કરી છે. મે મહિનામાં એક યુવકે માઈકલ પેટ્રિક નામથી આ યુવતીને રિક્વેસ્ટ મોકલી હતી. જે યુવતીએ સ્વીકારી હતી. પછી વાતચીત શરૂ થઈ અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ત્યાર બાદ નંબર શેર થતા વોટ્સએપ પર ચેટિંગ શરૂ થયું. જે હકીકતમાં ચિટિંગ હતું. માઈકલ જ્યારે પણ કોલ કરતો ત્યારે વોટ્સએપ કોલ જ કરતો. માઈકલે કહ્યું કે, તે એની માતાને બહું ગમે છે, લગ્ન કરવા માગે છે. મહિલાએ કહ્યું કે, મને જોયા વગર માતાએ લગ્ન માટે પસંદ કરી એ સારૂ કહેવાય. પણ મને વિશ્વાસ નથી. પછી શરૂ થયો ખરાખરીનો ખેલ. માઈકલે કહ્યું કે, તમને વિશ્વાસ આવે એ માટે સરપ્રાઈઝ ગિફ્ટ મોકલુ. પણ યુવતીએ ઘરે વાત ન કરી હોવાથી ગિફ્ટ લેવાની ના પાડી તેમ છતાં ગિફ્ટ મોકલી દીધી.

પછી એક નંબર પરથી યુવતીને કોલ આવ્યો અને પોતાની ઓળખ ડિલેવરી પર્સન તરીકે કરી. આ વ્યક્તિએ પોતાનું નામ જેમ્સ જણાવ્યું. જેમ્સે મહિલાને કહ્યું કે, માઈકલ નામના કોઈ વ્યક્તિએ પાર્સલ લંડનથી મોકલ્યું છે. જેને કસ્ટમમાંથી છોડાવવા માટે રૂ.25500 દેવાના છે. પછી ગિફ્ટ જોવાની લાલચે મહિલાએ પૈસા ગુગલ પે મારફતે મોકલ્યા. પછી એની પાસેથી વધારે પૈસા પડાવવામાં આવ્યા. ચાર દિવસમાં ભેજાબાજે નુર શેખ નામની વ્યક્તિના ખાતામાં રૂ.30,000 ટ્રાંસફર કરાવ્યા. પછી નજમા ખાતુન નામની વ્યક્તિના ખાતામાં રૂ.1.1 લાખ ટ્રાંસફર કરાવ્યા. ત્યાર બાદ ચિત્રા ભંડારીના ખાતામાં રૂ.32000 ટ્રાંસફર કરાવ્યા. આટલા પૈસા ચુકવતા છતા ગિફ્ટ ન મળી. પછી જેમ્સે વધારે પૈસા માગતા પોતાની સાથે ચિટિંગ થયું હોવાનો અહેસાસ થયો. હકીકતમાં ગિફ્ટ જેવું કંઈ હતું જ નહીં. જ્યારે મહિલાએ પૂછ્યું કે, કઈ કંપનીમાંથી ગિફ્ટ મોકલી છે તો જેમ્સે સ્પ્રિંગ  ડિલેવરી કંપનીનું નામ કહ્યું. કુલ મળીને રૂ.2.4 લાખ ચાઉ થઈ જાત મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે