12 વર્ષની સગીરાને ભગાડી જનાર શખ્સ જામનગર SOGની મદદથી આ રીતે દોઢવર્ષે ઝડપાયો

જામનગર SOG ખાતે સમગ્ર પ્લાન કરી અને આરોપીને ઝડપવામાં આવ્યો

12 વર્ષની સગીરાને ભગાડી જનાર શખ્સ જામનગર SOGની મદદથી આ રીતે દોઢવર્ષે ઝડપાયો

Mysamachar.in-નર્મદા,જામનગર

રાજ્યના નવનિયુક્ત ડીજીપી આશિષ ભાટિયા દ્વારા દરેક જીલ્લાની પોલીસને જે બાળકો વર્ષોથી ગુમ થયા છે એટલે કે મિસિંગ છે તેને શોધવા અને પરિવાર સાથે પુનઃમિલન કરાવવા ખાસ જહેમત ઉઠાવવાની સૂચનાઓ આપવામાં આવેલ છે, અને તેની કાર્યવાહી ચાલી પણ રહી છે, આવામાં જામનગર એસ.ઓ.જી ટીમની આ બાબતે નોંધપાત્ર કહી શકાય તેવી કામગીરી સામે આવી છે, જેમાં છેલ્લા દોઢવર્ષથી રાજપીપળા ગામેથી એક શખ્સ 12 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચે ફોસલાવી ઉઠાવી ગયો હતો, અને આ શખ્સને જામનગર જીલ્લાના અંતરિયાલ ગામમાંથી રાજપીપળા પોલીસ સાથે રહીને એસ.ઓ.જી ટીમે શોધી કાઢવામાં સારી ભૂમિકા ભજવી છે.

રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઈ.પી.કો. કલમ 363,366 મુજબના ગુન્હાનો આરોપી રાજદીપ ખુશાલભાઈ તડવી રહે.વાંદરીયા તા.નાંદોદ જી.નર્મદાનાએ આજથી દોઢેકવર્ષ પૂર્વે સગીર વયની બાળા ને લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવી અપહરણ કરી લઇ ગયેલ હોય જે બાબતે પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવતી હતી, તે તપાસ દરમિયાન કડીઓ મળી કે અપહરણ કરનાર શખ્સ જામનગર જીલ્લામાં અલગ અલગ જગ્યાએ છુપાતો ફરે છે, અને તેની સાથે અપહ્યુત સગીરવયની બાળા છે, હાલ આ શખ્સ જામનગર જીલ્લા ખાતે હોવાની ટેકનીકલ સર્વેલન્સ આધારે માહિતી મળતા રાજપીપળા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો જામનગર જીલ્લા ખાતે પહોચ્યા હતા,

જ્યાં જામનગર એસઓજી પોલીસ ઇન્સ્પેકટર કે.એલ.ગાધે દ્વારા સમગ્ર કેસની વિગતો મેળવી અને સગીરા સાથે જ શખ્સ કઈ રીતે હાથમાં આવી જાય તેના માટેની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી, અને આ શખ્સ જામનગર જીલ્લાના બુમથીયા ગામે છુપાયો હોય તેવી માહિતી પરથી જામનગર એસઓજી ટીમે ટેકનીકલ સર્વેલન્સ ઉપરાંત સ્થાનિક બાતમીદારો મારફત માહિતી મેળવી અને સરકારી નહિ પરંતુ ખાનગી વાહનોમાં સિવિલ ડ્રેસમાં સજ્જ થઇ રાજદીપ તડવીને ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી કરી રાજપીપલા પો.સ્ટે. ને ગુનાના કામે સોંપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં જામનગર એસઓજી પી.આઈ.કે.એલ.ગાધે અને પી.એસ.આઈ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મયુદીનભાઈ, દિનેશભાઈ, રમેશભાઈ, દોલતસિંહ વગેરે પણ નર્મદા પોલીસની મદદમાં જોડાયા હતા અને દોઢવર્ષથી સગીરાને સાથેને લઈને ફરતા શખ્સને ઝડપી પાડ્યો છે.