કોરોનાથી માઠી બેઠી જામ્યુકોની આવકમાં જબરૂ ગાબડું

વર્ષ 2020-21ના પ્રથમ છ માસથી સરેરાશ વેરા આવકમાં રૂપિયા 7 કરોડનો ઘટાડો નોંધાયો

કોરોનાથી માઠી બેઠી જામ્યુકોની આવકમાં જબરૂ ગાબડું
symbolic image

Mysamachar.in-જામનગર

જામ્યુકોને પણ સરકારી અને અર્ધ સરકારી અન્ય વિભાગોની માફક કોરોનાએ આર્થિક ફટકો માર્યો છે. લોકડાઉન અને કોરોના સંક્રમણનો દહેશતને પગલે કરદાતાઓ મહાનગરપાલિકામાં ઓછા આવતા સાત કરોડની આવક ઘટી છે, કોરોનાના આક્રમણની દહેશતને પગલે 21મી માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લીધે ખાનગી વેપાર-ઘંધાના માલિકો છુટક મજૂરી કરતા લોકોની માફક સરકારી, અર્ધ સરકારી અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાને પણ આર્થિક માર પડયો છે.

જામનગર મહાનગરપાલિકા પણ લોકડાઉનને લીધે આવક ગુમાવનારી સંસ્થાની યાદીમાં આવી છે.ચાલુ નાણાંકીય વર્ષની વાત કરીએ તો તા.1-4-2020 થી 30-9-2020 સુધીના છ માસમાં જામનગર મહાનગરપાલિકાને મિલ્કત વેરા પેટે રૂપિયા 27.06 કરોડની આવક થઇ હતી. વોટર વર્કસ શાખા હસ્તક પાણી ચાર્જની રૂપિયા 9.64 કરોડની આવક થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકાના ચાલુ નાણાંકીય વર્ષ 2020-21ના બજેટમાં મિલ્કત વેરાની આવકનો લક્ષ્યાંક 82 કરોડ નિર્ધારીત કરવામાં આવ્યો હતો તો પાણી ચાર્જની આવકનો લક્ષ્યાંક રૂા.24 કરોડનો રાખવામાં આવ્યો હતો. સામાન્ય રીતે પ્રથમ છ માસમાં વાર્ષિક આવકનો 40 ટકા જેટલો હિસ્સો જામનગર મહાનગરપાલિકાને મળતો હોય છે. અને તેમા પણ એડવાન્સ ટેકસમાં રિબેટ યોજના જાહેર કરાતી હોવાથી વળતર મેળવવા માટે અસંખ્ય કરદાતા એડવાન્સ વેરો આખા વર્ષનો ભરપાઇ કરે તેનો પણ સમાવેશ થઇ જતો હોય છે.

જો કે આ વર્ષે કોરોનાને કારણે એડવાન્સ ટેકસ પેટેની આવકમાં પણ જામનગર મહાનગરપાલિકાને ફટકો પડતા તેની સીધી અસર છ માસિક આવક ઉપર પડી છે. મહાનગરપાલિકાની આવકનો સ્થાનિક મુખ્ય સ્ત્રોત વેરાની આવક છે અને તેમા ગાબડુ પડે એટલે સ્વાભાવિક રીતે તેની સીધી અસર વિકાસકામો ઉપર પડે છે અને સ્વભંડોળમાંથી થતા કામોને ખાસ કરીને બ્રેક લાગે કે સંખ્યા ઘટી જાય છે. બાકીના છ માસમાં આવી અસર જોવા મળે તેવી શકયતા છે.

-વર્ષો જૂની રીકવરી પણ બાકી...
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના હજારો આસામીઓ પાસેથી વર્ષોથી વિવિધ ટેક્સ હેઠળ કરોડોની ટેક્સલેણાની રકમ બાકી નીકળે છે તેનો આંકડો કરોડોમાં છે, ત્યારે 5, 10, 25 હજાર વાળાના મકાનો સીલ કરવા જતી મનપાની ટેક્સ બ્રાંચ મોટા માથાઓ જેના વર્ષોથી કરોડોના ટેક્સ બાકી છે ત્યાં કેમ લાજ કાઢે છે. કારણ કે મનપા પાસે એક તો આવક નથી અને સ્વભંડોળ માટે ટેક્સ જ મુખ્ય સ્ત્રોત છે, ત્યારે ટેક્સ રીકવરીમાં પણ સઘન ઝુંબેશની જરૂર હોય તેમ લાગે છે.